નવી દિલ્હીઃ દેશમાં કોરનાના કેસ નવ લાખ સુધી પહોંચી ચુક્યા છે. દેશના વિવિધ રાજ્યોના ઘણા શહેરોમાં આજે ફરીથી લોકડાઉન લાગુ થયું છે. કોરોનાની ચેઈન તોડવાનો આ એક માત્ર ઉપાય હોવાનું માનવામાં આવી રહ્યું છે.


મહારાષ્ટ્રના પુણે અને પિંપરી-ચિંચવાડમાં આજે રાતથી 10 દિવસનું લોકડાઉન લાગુ થઈ રહ્યું છે. પુણેમાં 14 જુલાઈથી 23 જુલાઈ સુધી લોકડાઉન લાગુ રહેશે.

મધ્યપ્રદેશના ગ્લાલિયરમાં એક જ દિવસમાં 191 કેસ આવતા આજે સાંજે સાત વાગ્યાથી એક સપ્તાહ સુધી સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવશે.

કર્ણાટકના બેંગલુરુ શહેર અને ગ્રામ્ય સહિત દક્ષિણ કર્ણાટકમાં એક સપ્તાહનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન જરૂરી સેવાઓને બાદ કરતાં તમામ વસ્તુઓ બંધ રહેશે. નિયમનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ઉત્તરપ્રદેશમાં દર શનિવાર અને રવિવારે લોકડાઉન લાગુ રહેશે. વારાણસીમાં સોમવારથી શુક્રવાર એમ પાંચ દિવસ સુધી અડધા દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવી રહ્યું છે. સાંજે ચાર વાગ્યાથી લોકડાઉન અમલી બનશે.

દેશના જે પણ શહેરોમાં લોકડાઉન છે ત્યાં હોસ્પિટલ, કરિયાણા, દૂધ, શાકભાજી, દવા જેવી જીવન જરૂરી વસ્તુઓ મળી રહેશે. તે સિવાય કોઈપણ પ્રકારની વસ્તુઓ કે પરિવહનને મંજૂરી નહીં આપવામાં આવે.

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં અત્યાર સુધીમાં 9,06,752 લોકો કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે અને 23,727 લોકોના મોત થયા છે. જ્યારે 5,71,460 લોકો ઠીક થઈ ગયા છે અને 3,11,565 એક્ટિવ કેસ છે.