મુંબઈ: મહારાષ્ટ્રમાં રવિવારે કોરોના વાયરસના નવા 3007 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 85975 પર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય અધિકારીએ જણાવ્યું કે રાજ્યમાં સંક્રમણથી વધુ 91 લોકોના મોત થયા છે. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 3060 પર પહોંચી ગયો છે.


અધિકારીએ જણાવ્યું કે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સંક્રમિત કેસ ચીનના કેસ કરતા પણ વધી ગયા છે.ચીનમાં સંક્રમણના 83036 કેસની પુષ્ટી થઈ છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સંક્રમણના 85975 કેસ સામે આવ્યા છે, જેમાંથી 39314 લોકો સ્વસ્થ થયા છે, 3060 લોકોના મોત થયા છે અને 43591 લોકોની સારવાર ચાલી રહી છે. રાજ્યમાં 551647 સેમ્પલની તપાસ કરવામાં આવી છે.



મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં કોવિડ-19થી પોલીસના એક અધિકારી સહિત આશરે 33 પોલીસકર્મીઓના મોત થયા છે. એક પોલીસ અધિકારીએ રવિવારે આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે રાજ્યમાં અત્યાર સુધીમાં 2562 પોલીસકર્મીઓમાં કોરોના વાયરસના સંક્રમણની પુષ્ટી થઈ છે.

અધિકારીએ કહ્યું, આ 33 પોલીસમાંથી 18 મુંબઈ પોલીસથી છે. હાલના સમયે રાજ્ય પોલીસના 1497 કર્મીઓની કોવિડ-19ની સારવાર ચાલી રહી છે જેમાંથી 196 અધિકારી સામેલ છે. અધિકારીએ જણાવ્યું કે વધારાના લોકડાઉન દરમિયાન 260 પોલીસકર્મીઓ પર હુમલા કરવામાં આવ્યા અને આ મામલામાં 841 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ હુમલાઓમાં આશરે 86 પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે.