Coronavirus: મહારાષ્ટ્રમાં સતત બીજા દિવસે રેકોર્ડ 18 હજારથી વધુ કેસ, વધુ 391 લોકોનું મૃત્યુ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Sep 2020 10:18 PM (IST)
કોવિડ-19ના નવા કેસ સાથે મહારાષ્ટ્રમાં પોઝિટિવ કેસની સંખ્યા વધીને 8 લાખ 43 હજાર 844 થઈ ગઈ છે.
મુંબઈ: મહારાષ્ટ્રમાં સતત બીજા દિવસે કોરોના રેકોર્ડ 18 હજાર 105 નવા કેસ સામે આવ્યા છે. જે એક દિવસમાં નોંધાતા અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. બુધવારે 17 હજાર 433 નવા કેસ સામે આવ્યા હતા. કોવિડ-19ના નવા કેસ સાથે મહારાષ્ટ્રમાં પોઝિટિવ કેસની સંખ્યા વધીને 8 લાખ 43 હજાર 844 થઈ ગઈ છે. રાજ્યના સ્વાસ્થ્ય વિભાગના આંકડા અનુસાર, છેલ્લા કલાકમાં વધુ 391નાં મોત થયા છે, જેના કારણે રાજ્યમાં મૃતકોની સંખ્યા વધીને 25 હજાર 586 થઈ ગઈ છે. કુલ પોઝિટિવ કેસમાં 6 લાખ 12 હજાર 484 દર્દી સારવાર બાદ સ્વસ્થ થઈ ગયા છે, રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 2 લાખ 5 હજાર 428 છે. રાજધાની મુંબઈમાં કોવિડ-19ના 1526 નવા કેસ સામે આવ્યા છે અને શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા વધીને 1 લાખ 50 હજાર 95 થઈ ગઈ છે. આ સિવાય વધુ 37ના મોત સાથે મૃતકોની સંખ્યા વધીને 7761 થઈ ગઈ છે.