મુંબઈ: ભારતમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. કોરોનાના ખતરાને લઈને રાજ્ય સરકાર પગલા ઉઠાવી રહી છે. હવે આ ખતરાને લઈને મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે મોટો નિર્ણય કર્યો છે. સરકારે રાજ્યના પાંચ શહેરોમાં મોલ,થિયેટર અને જિમ આગામી આદેશ સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે. આ પાંચ શહેરોમાં મુંબઈ, નવી મુંબઈ, પુના, નાગપુર,પિંપરી. ચિંચવડના નામ છે. અહીં મોલ, થિયેટર અને જિમ સરકારના આગામી આદેશ સુધી બંધ રહેશે. પુના અને પિંપચી ચિંચવડમાં તમામ સ્કૂલને આગામી આદેશ સુધી બંધ રાખવામાં આવશે.




ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધીને 84 થઈ છે. ભારતમાં કોરોના વાયરસના કારણે પ્રથમ મોત થવાની પુષ્ટી થઈ છે. કર્ણાટકના કલબુર્ગીના 76 વર્ષીય દર્દીનું જ્યારે મોત થયું ત્યારે તેને કોરોનાનો ચેપ લાગ્યો છે તેવી આશંકા હતી બાદમાં તપાસ દરમિયાન તે ચેપગ્રસ્ત હોવાનું સાબિત થયું હતું. કર્ણાટકના સ્વાસ્થ્ય મંત્રી શ્રીરામલુએ આ રિપોર્ટની પુષ્ટી કરી હતી.

ઉત્તરપ્રદેશમાં પણ સ્કૂલ અને કૉલેજને 31 માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

હરિયાણા સરકારે પણ રાજ્યની તમામ સ્કૂલ અને કૉલેજને 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. કોરોના વાયરસના ખતરાના કારણે આઈપીએલની તારીખમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝન હવે ટળી ગઇ છે. કોરોનાના ખતરાને લઇને આઇપીએલ હવે 29 માર્ચે નહીં પણ 15મી એપ્રિલથી શરૂ થશે. કોરોનાને ધ્યાનમાં રાખીને ટૂર્નામેન્ટને રિશિડ્યૂલ કરવામાં આવી છે.