નવી દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. ભારતમાં છેલ્લા થોડા દિવસોથી રોજના 90 હજારથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. દેશમાં હાલ કોરોના સંક્રમિતોની સંખ્યા 53 લાખને પાર થઈ ગઈ છે. દેશમાં હાલ અનલોક 4 પૂર્ણ થવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે કોરોનાના કેસમાં આવેલા ઉછાળાથી ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કોરોના વાયરસની સ્થિતિની સમીક્ષા માટે પ્રધાનમંત્રી મોદી આગામી સપ્તાહે સાત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરીને સમીક્ષા કરી શકે છે.


હાલ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ, 23 સપ્ટેમ્બરે પીએમ મોદી અને દેશના રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચુઅલ બેઠક થવાની સંભાવના છે. જેમાં મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તરપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોના મુખ્યમંત્રી સામેલ થશે.



પ્રધાનમંત્રી દેશમાં કોરોના મહામારીની સમીક્ષા માટે નિયમિત બેઠક કરતા રહે છે. આ બેઠકમાં જ્યાં વધારે ગંભીર સ્થિતિ હોય તેવા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો પર વધારે ધ્યાન આપવામાં આવે છે. આ પહેલા મોદીએ કોવિડ-19 સંબંધી સ્થિતિની સમીક્ષા માટે 11 ઓગસ્ટે આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, પંજાબ, બિહાર, ગુજરાત, તેલંગાણા અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીઓ તથા પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 92,605 નવા કોવિડ-19 કેસ અને 1,133 લોકોના મોત થયા હતા. આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 54 લાખને પાર થઈ ગઈ છે. ભારતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 54,00,620 પર પહોંચી છે. જેમાંથી 10,10,824 એક્ટિવ કેસ છે અને 43,03,044 ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. દેશમાં કોરોનાથી 86,752 લોકોના મોત થયા છે.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ