નવી દિલ્હી: ભારતમાં કાતિલ કોરોના વાયરસનો પ્રકોપ દિવસે દિવસે વધી રહ્યો છે.દેશમાં કોરોના વાયરસના નવા કેસ સામે આવ્યા બાદ હવે કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા વધીને 107 થઈ ગઈ છે.જો કે, તેમાં 17 વિદેશી નાગરિક સામેલ છે. ભારત સરકારે કોરોનાને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે. દેશમાં અત્યાર સુધી કોરોનાથી બે લોકોના મોત થઈ ચૂક્યા છે.

અત્યાર સુધીના આંકડા અનુસાર સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં શનિવારે પાંચ નવા પોઝિટિવ કેસ સામે આવતા કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 31 પહોંચી ગઈ છે. જેના પગલે મુંબઈમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. કેરળમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 22 થઈ ગઈ છે. ત્યારે ઉત્તર પ્રદેશમાં 12 અને દિલ્હીમાં 7 દર્દીઓ છે.



કોરાના વાયરસના પગલે આવતીકાલથી શ્રદ્ધાળુઓ માટે કરતારપુર કૉરિડોર બંધ કરવામાં આવશે. પહેલીવાર કરતારપુર બંધ કરવામાં આવશે. બીએસએફએ જણાવ્યું કે, કોરોનાના કારણે રજિસ્ટ્રેશન અને અન્ય સેવાઓ કેન્સલ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના કારણે અત્યાર સુધી દુનિયાભરમાં 5,832 લોકોનાં મોત થયા છે. તે સિવાય સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1,56,438 થઈ ગઈ છે. ચીન બાદ કોરોનાનો સૌથી વધુ પ્રકોપ ઈટાલીમાં છે.

ઈરાનની સરકારી ટીવી અનુસાર, કોરોના વાયરસના કારણે વધુ 97 લોકોના મોત થાય છે તેની સાથે મૃત્યુંઆંક વધીને 611 થઈ ગયો છે. દેશમાં 12729 લોકો કોરોનાથી સંક્રમિત છે.