પીએમની બેઠકમાં આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા
કોરોના કાળમાં મુખ્યમંત્રીઓની સાથે પીએમ મોદીની આ પાંચમી બેઠક હશે. આજે જ્યારે પીએમ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને મળશે ત્યારે લોકડાઉનથી થયેલ ફાયદા અને આગળની રણનીતિ પર ચર્ચા થઈ શકે છે. કોરોના કાળમાં અત્યાર સુધીમાં પીએમ 20 માર્ચ, 2 એપ્રિલ, 11 એપ્રિલ અને 27 એપ્રિલના રોજ મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી ચૂક્યા છે. પીએમની આજની બેઠક એટલા માટે પણ મહત્ત્વની છે કારણ કે લોકડાઉનને લઈને પીએમ મોદીએ જ્યારે પણ કોઈ નિર્ણય કર્યો છે ત્યારે એ પહેલા રાજ્યનો મત જરૂર જાણ્યો છે.
- 20 માર્ચની બેઠક બાદ પીએમે 24 માર્ચે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી.
- 2 એપ્રિલની બેઠકમાં અચાનક લોકડાઉન નહીં હટાવવા પર સહમતિ બની હતી.
- 11 એપ્રિલની બેઠક બાદ પીએમે 14 એપ્રિલના રોજ લોકડાઉન 3 મે સુધી વધારવાની જાહેરાત કરી હતી.
- 27 એપ્રિલની બેઠક બાદ 1મેના રોજ લોકડાઉનના ત્રીજા તબક્કાનો નિર્ણય કર્યો હતો.
કોરોના વિરૂદ્ધ લડાઈમાં દેશને હાલમાં ત્રણ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. દેશમાં હાલમાં 130 રેડ ઝોન છે, 284 ઓરન્જ ઝોન અને 319 ગ્રીન ઝોન છે. બેઠકમાં લોકડાઉન ખોલ્યા બાદની સ્થિતિ અને ઝોનને લઈને બનાવવામાં આવેલ નિયમો પર પણ વાત થઈ શકે છે.
રાજ્યોનો ઝોનને લઈને વિરોધ છે
- કેટલાક રાજ્યોએ રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનને લઈને બનાવવામાં આવેલ નિયમોને લઈને વિરોધ નોંધાવ્યો છે.
- રાજ્યોનું કહેવું છે કે પ્રવાસી મજૂરોની વાપસીથી કોરોનાના કેસ વધી રહ્યા છે.
- એવામાં મોટાભાગના જિલ્લા રેડ ઝોનમાં આવી જશે જેનાથી છૂટ પર અસર પડશે.