Coronavirus: વિશ્વના અનેક દેશોમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. ભારતમાં પણ કોરોનાના નવા વેરીયન્ટની એન્ટ્રી થઈ છે. આ દરમિયાન આજે પીએમ મોદી સમીક્ષા બેઠક કરશે.


ચીનથી લઈ જાપાન અને અમેરિકામાં કોરોના કેસ વધી રહ્યા છે, જેને લઈ ભારતમાં સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કોરોનાની સ્થિતિ જાણવા સમીક્ષા બેઠક બોલાવી છે. આ પહેલા બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ અધિકારીઓ સાથે બેઠક કરી હતી.






ભારતમાં કોરોનાની એન્ટ્રીને લઈ ફફડાટ, નીતિ આયોગના વીકે પોલે લોકોને કર્યા એલર્ટ


ચીનમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે ત્યારે હવે ભારતમાં પણ સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સાવચેતીના ભાગરૂપે અત્યારથી જ ભારતમાં કોવિડની સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC), ભારતીય તબીબી સંશોધન પરિષદ અને બાયોટેકનોલોજી વિભાગના પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતા. કોરોનાની સ્થિતિનો તાગ મેળવવા મીટિંગમાં શું શું ચર્ચા કરવામાં આવી અને કેવા કેવા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા તે નીચે મુજબ છે. 


નીતિ આયોગના સભ્ય ડૉ. વી.કે. પૉલે પણ મહત્વની સલાહ આપી છે. તેમણે કોરોનાની સ્થિતિમાં શું શું તકેદારી રાખવી તેની પણ જાણકારી આપી હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ મહત્વના દિશા-નિર્દેશ આપ્યા હતાં.


કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે,  કોવિડ હજી ખતમ થયો નથી. મેં તમામ સંબંધિત વિભાગોને સતર્ક રહેવા અને દેખરેખ મજબૂત કરવા નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું હતું કે, ટીમ કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.


મીટિંગ પૂરી થયા બાદ નીતિ આયોગના સભ્ય ડૉ. વી.કે. પૉલે લોકોને વાયરસના ફેલાવાને રોકવા માટે ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવાની સલાહ આપી હતી. ડૉ. વી.કે. પૉલે કહ્યું હતું કે, જો તમે ભીડવાળી જગ્યાએ, ઘરની અંદર કે બહાર હોવ તો માસ્કનો ઉપયોગ અવશ્ય કરો. વૃદ્ધ લોકો માટે આ બધી બાબતો ઘણી મહત્વની છે.