નવી દિલ્હીઃ દેશમાં વધતા કોરોનાના કહેરને જોતા રાજસ્થાન બાદ હવે પંજાબમાં પણ લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. નોંધનીય છે કે દેશમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. આજે દેશમાં નવ નવા કેસ સામે આવ્યા બાદ કુલ પોઝિટીવ કેસની સંખ્યા 324 થઇ ગઇ છે. નોંધનીય છે કે પંજાબ અગાઉ રાજસ્થાનને પણ લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, લોકો જનતા કર્ફ્યૂ માટે આગળ પણ તૈયાર રહે.



દેશમાં સૌ પ્રથમ રાજ્ય રાજસ્થાન છે જ્યાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે તેની જાહેરાત કરતા કહ્યું કે, 31 માર્ચ સુધી લાગુ રહેશે. રાજસ્થાનમાં પોઝિટીવ કેસની સંખ્યા 13 થઇ ગઇ છે. રવિવારે જનતા કર્ફ્યૂના  દિવસે પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે 31 માર્ચ સુધી લોકડાઉનની જાહેરાત કરી હતી.

પંજાબના મુખ્યમંત્રીએ કહ્યું કે, તે આવા મુશ્કેલ સમયમાં સરકારની મદદ કરે. પંજાબને પુરી રીતે લોકડાઉન કરતા અગાઉ કેટલાક શહેરોને જ લોકડાઉન કરવામાં આવ્યા હતા. પંજાબમાં લોકડાઉન દરમિયાન મેડિકલ ખુલ્લા રહશે. તે સિવાય દૂધ-બ્રેડ સહિત જરૂરી ચીજવસ્તુઓ લોકોને ઉપલબ્ધ રહેશે. જ્યારે પોલીસ અને ડોક્ટરો સિવાય વિજળી વિભાગના લોકો કામ કરશે. તે સિવાય સામાન્ય લોકોના બહાર નીકળવા પર પ્રતિબંધ રહેશે.