નવી દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીની બીજી લહેર ખતમ નથી થઈ.  કેરળમાં કોરોનાના સતત વધતાં કેસના પગલે દક્ષિણના રાજ્યોમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ હોવાની નિષ્ણાતાએ ચેતવણી આપી છે. દેશના આઠ રાજ્યોમાં કોરોનાના કેસ વધતાં કેન્દ્ર સરકારે પણ ચિંતા વ્યક્ત કરી છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, લક્ષદ્વીપ, તમિલનાડુ, મિઝોરમ, કર્ણાટક, પુડ્ડુચેરી અને કેરળમાં કોરોનાના કેસને લઈ ચિતાની વાત છે.


સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું, સમગ્ર વિશ્વમાં આર વેલ્યૂ વધી રહી છે અને ભારતમાં તે 1.2 છે. તેમણે આ સંદર્ભે અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયાનું ઉદાહણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, દેશના 12 રાજ્યોના 44 જિલ્લામાં પોઝિટિવિટી રેટ 10 ટકા છે. આ રાજ્યોમાં કેરળ, મણિપુર, મિઝોરમ, નાગાલેંડ, અરૂણાચલ પ્રદેશ, મેઘાલય મોખરે છે.


કોરોના સંક્રમણની R વેલ્યૂ વધવી એ છે વધારે ચિંતાજનક


કોરોનાના વધતા કેસ કરતાં પણ વધારે ચિંતાજનક એ વાત છે કે કોરોના સંક્રમણની R વેલ્યૂ વધી રહી છે. એક કોરોના સંક્રમિત વ્યક્તિ જેટલી વ્યક્તિને કોરોનાથી સંક્રમિત કરે છે તેને R વેલ્યૂ કહે છે. જો એક વ્યક્તિ એક જ વ્યક્તિને સંક્રમિત કરે તો તેની R વેલ્યૂ 1 હશે, જ્યારે એક વ્યક્તિ બે વ્યક્તિને સંક્રમિત કરે તો R વેલ્યૂ 2 હશે.


શા માટે વધતી R વેલ્યૂને લઈને સરકારની ચિંતા વધી છે


જે R વેલ્યૂને લઈને સરકારની ચિંતા વધી છે તે કોરોનાની ગતિ વધારવામાં R વેલ્યૂની ભૂમિકા મહત્ત્વની છે. માર્ચ 2021માં જ્યારે દેશમાં બીજી લહેર ચાલી રહી હતી ત્યારે R વેલ્યૂ 1.37 હતી, ત્યાર બાદ એપ્રિલ 2021માં જ્યારે પ્રકોપ ઘટ્યો ત્યારે વેલ્યૂ 1.18 થઈ ગઈ. મે 2021માં R વેલ્યૂ 1.10, જૂન 2021માં વેલ્યૂ ઘટીને 0.96 થઈ ગઈ. પરંતુ જુલાઈના અંતિમ સપ્તાહમાં તેમાં વધારો થવાનો શરૂ થયો અને તે 1 પર પહોંચી ગઈ છે.


લોકો નહીં માને તો ટૂંકમાં જ આવશે ત્રીજી લહેર - એક્સપર્ટ્સ


દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં જુલાઈ દરમિયાન ઘટાડો આવ્યો હતો પરંતુ મહામારીથી મોતનો સિલસિલો યથાવત રહ્યો. જોકે જુલાઈના અંતિમ સપ્તાહમાં કેસનો આંકડો 30થી 40 હજારની વચ્ચે રહ્યો અ વાયરસથી મોતનો સિલસિલો યથાવત રહ્યો. જુલાઈમાં કોરોનાથી 25 હજારથી વધારે મોત થયા. ડોક્ટોરનું કહેવું છે કે કોરોનાને લઈને જે રીતે બેદરકારી દાખવવામાં આવી રહી છે અને જો લોકો નહીં માને તો ત્રીજી લહેર આવાવમાં મોડું નહીં થાય.