દેશમાં બાળકો માટેની કોરોના વેક્સિનને લઈને સૌથી મોટા અને સારા સમાચાર મળી રહ્યાં છે. દેશમાં ક્યાં સુધી બાળકો માટે કોરોનાની વેક્સિન આવશે તે સવાલનો જવાબ દરેક જાણવા ઈચ્છે છે. ત્યારે સરકારના જણાવ્યા અનુસાર આગામી બે અઠવાડિયામાં ઝાયડસ કેડિલાની વેક્સિનને ઈમરજંસી યુઝ માટેની મંજૂરી મળી શકે છે. આ રસીનું 12થી 18 વર્ષ સુધીના બાળકો પર ટ્રાયલ થયું છે.


બીજી તરફ ભારત બાયોટેકનો પણ બેથી 18 વર્ષ સુધીના બાળકો પર ટ્રાયલ લગભગ પૂર્ણ થઈ ચુક્યું છે. આ સિવાય નોવાવેક્સએ પણ બાળકો પર ટ્રાયલની મંજૂરી માગી છે. તો બાયો ઈએ પણ ટ્રાયલની અનુમતિ માગી છે. નીતિ આયોગના સ્વાસ્થ્ય સભ્ય ડોક્ટર પોલના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં જ બાળકો માટે કોરોનાની વેક્સિન આવી શકે છે.


આગામી એક બે અઠવાડિયામાં તેની આવવાની સંભાવના છે. ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિન ઝાઈકોવ ડીનું ત્રીજા તબક્કાનું ટ્રાયલ પૂર્ણ થઈ ચુક્યું છે. ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિન માટે સીડીએસસીઓ એટલે કે સેંટ્રલ ડ્રગ્સ સ્ટાંડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન પાસે તેના ઈમરજંસી ઉપયોગની મંજૂરી માગી છે.


કંપનીએ લગભગ 28 હજાર બાળકો પર ટ્રાયલ પૂર્ણ કર્યા બાદ ઈમરજંસી ઉપયોગ માટેની મંજૂરી માંગી છે. જેના પર સીડીએસસીઓની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીમાં ડેટા એનાલિસીસ થઈ રહ્યાં છે.


બીજી તરફ બીજી વેક્સિન કે જેનો બાળકો પર ટ્રાયલ પૂર્ણ થઈ ચુક્યું છે. તેમાં ભારત બાયોટેકની કોવેક્સિન છે. ભારત બાયોટેકની વેક્સિનનું બેથી 18 વર્ષના બાળકો પર ટ્રાયલ ચાલી રહ્યું છે. અને તે અંતિમ તબક્કામાં છે. આ ટ્રાયલને ત્રણ વયજુથમાં વહેંચવામાં આવ્યું છે. બેથી છ, છથી બાર અને 12થી 18. અત્યાર સુધી છથી 12 અને 12થી 18 વર્ષના બાળકોને બંન્ને વેક્સિનના ડોઝ આપી દેવામાં આવ્યા છે. અને બેથી છ વર્ષના બાળકોના ટ્રાયલમાં વેક્સિનની બીજી ડોઝ આપવાની બાકી છે. જે આ અઠવાડિયામાં પૂર્ણ થઈ જશે.


આ સિવાય અન્ય બે કંપનીઓ નોવોવેક્સ અને બાયોલોજિકલ ઈ પણ બાળકોમાં કોરોના વેક્સિનના ટ્રાયલ માટે મંજુરી માગી છે.