વિશ્વભરમાં વધી રહેલા કોરોના કેસને લઈ સ્વાસ્થ્ય નિષ્ણાતો  પણ તમામ લોકોનું ઝડપથી રસીકરણ કરવાની અપીલ કરી રહ્યા છે. અનેક રિસર્ચ બતાવે છે કે જે લોકો વેક્સિનના બંને ડોઝ લઈ ચુક્યા હોય તેમને કોરોનાનું ગંભીર સંક્રમણ અને તેનાથી થનાર મોતનો ખતરો ઘટી જાય છે. જોકે તાજેતરના દિવસોમાં એવા અનકે મામલા સામે આવ્યા છે, જેમાં પૂરી રીતે વેક્સિનેટ થયેલા લોકો પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. આ મામલાથી લોકોની ચિંતા વધી ગઈ છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના કહેવા મુજબ રસી લઈ ચુકેલા લોકો પણ સંક્રમિત થાય છે અને તેમણે પણ સતર્કતા રાખવાની જરૂર છે.


રસીના બંને ડોઝ લઈ ચુકેલા લોકો પણ આવી શકે છે કોરોનાની ઝપેટમાં


અમેરિકાની સીડીસીનો દાવો છે કે પૂરી રીતે વેક્સિનેટ થઈ ગયેલા લોકો સંક્રમણનો શિકાર થઈ જાય તો તેમાં પણ ગંભીર બીમારીનો ખતરો ઓછો થઈ જાય છે. વૈજ્ઞાનિકોના દાવા મુજબ રસી ગંભીર બીમારીઓ તથા હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ ઘટાડી દે છે. આ ઉપરાંત એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં સંક્રમણનું જોખમ પણ ઓછું કરે છે.


કેવા લક્ષણો જોવા મળી શકે છે


એક રિસર્ચ મુજબ રસીના બંને ડોઝ લઇ ચુકેલા લોકો જો સંક્રમિત થાય તો તેમનામાં પણ આવા લક્ષણ જોવા મળી શકે છે.



  • માથાનો દુખાવો

  • નાકમાંથી પાણી પડવું

  • છીંક આવવી

  • ગળામાં ખારાશ

  • ગંધ અને સ્વાદ ન આવવાની સમસ્યા


કોરોના સંક્રમણથી કેવી રીતે બચશો


સ્વાસ્થ્ય સંગઠન મુજબ સંક્રમણમાં સુરક્ષિત રહેવા અને કોરના વાયરસને ફેલાતો અટકાવવા બંને ડોઝ લઈ ચુકેલા લોકોએ પણ તમામ સાવધાની રાખવી જોઈએ. જ્યાં સુધી વિશ્વમાંથી કોરોના સંક્રમણ પૂરી રીતે ખતમ ન થઈ જાય ત્યાં સુધી સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની સાથે માસ્ક પહેરવું અને હાથની સ્વચ્છતાનું ધ્યાન રાખવું તમામ લોકો માટે ફરજીયાત છે. સીડીસીના તાજેતરના દિશાનિર્દેશો પ્રમાણે બંને ડોઝ લઈ ચુકેલા લોકોને પણ ઘરની અંદર માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે.