ભાજપનાં નેતાઓએ ફ્લોર ટેસ્ટની વિડીયોગ્રાફી કરાવવાની પણ માંગ કરી છે. ભાજપના નેતાઓનાં આ દળમાં શિવરાજ સિંહ સિવાય ગોપાલ ભાર્ગવ, નરોત્તમ મિશ્રા અને ભૂપેન્દ્ર સિંહ સામેલ હતા. કોંગ્રેસનાં 22 ધારાસભ્યોના બળવાને કારણે પ્રદેશની કમલનાથ સરકાર ફસાઈ ગઈ છે તેવું સ્થાનિક લોકોમાં ચર્ચા ચાલી રહી છે. ભાજપ સતત કમલનાથ સરકાર અલ્પમતમાં હોવાનો દાવો કરી ફ્લોર ટેસ્ટ કરાવવાની માંગ કરી રહ્યું છે.
રાજ્યપાલને મળ્યા બાદ શિવરાજ સિંહે કહ્યું હતું કે, 22 ધારાસભ્યોએ રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ સરકાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. 16 માર્ચે બજેટ સત્ર શરૂ થતાં પહેલા સરકારે વિશ્વાસ મત પ્રાપ્ત કરવો જરૂરી છે. જેને લઈને રાજ્યપાલ સાથે મુલાકાત કરી ફ્લોર ટેસ્ટ કરાવવા માટે આવેદનપત્ર આપ્યું છે.
પરંતુ કોંગ્રેસ ફ્લોર ટેસ્ટને વધુ કેટલાંક દિવસો સુધી ટાળવાનાં પક્ષમાં છે. સ્પીકર એનપી પ્રજાપતિએ આ દિવસોમાં બેંગલુરૂમાં રહેલા સિંધિયા જૂથનાં 19 ધારાસભ્યોને હાજર થવાનો સમય આપ્યો છે. આ તમામ ધારાસભ્યો રાજીનામું આપી ચુક્યા છે, પરંતુ સ્પીકરે રાજીનામું મંજૂર કર્યું નથી.
શિવરાજ સિંહે કહ્યું હતું કે, હવે મુખ્યમંત્રી કમલનાથ અને કોંગ્રેસની પાસે મધ્ય પ્રદેશમાં સરકાર ચલાવવાનો સંવૈધાનિક અધિકાર નથી. અમે માંગ કરી છે કે સૌથી પહેલા વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ કરાવવામાં આવે. હવે રાજ્યપાલનાં અભિભાષણ અને બજેટ સત્રનો પણ કોઈ મતલબ નથી. પહેલા કમલનાથ સરકારે વિશ્વાસ મત મેળવવો જોઇએ.