લોનાવાલાઃ કોવિડ પ્રતિબંધમાં છૂટ અને સંક્રમણના મામલા ઘટવાની સાથે લોકોમાં એક પ્રકારની બેદકારી જોવા મળી રહી છે. દેશના અગ્રણી પર્યટન સ્થળો પર કેટલાંક પ્રવાસીઓ બેદરકાર બનીને ફરતાં હોવાની અનેક તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર સતત કહી રહી છે કે કોવિડ-19ની બીજી લહેર અટકી નથી અને ત્રીજી લહેરનો ખતરો છે, જેનાથી ઓક્ટોબર-નવેમ્બરમાં પીક આવવાનો અંદાજ છે તેમ છતાં લોકો બેદરકારી દાખવી રહ્યા છે.
મુંબઈ નજીક આવેલા લોનાવાલામાં વરસાદ પડતાં જ અનેક પ્રવાસીઓ આવવા લાગ્યા છે. જેના કારણે આ ટૂરિસ્ટ સ્પોટ પર લોકોની ભીડ જામી છે. યુવતીઓ વરસાદની સીઝનમાં અહીં સેલ્ફી લેવાની મજા માણતી વખતે કોવિડ નિયમોનો ઉલાળિયો કર્યો હતો. ગઈકાલે અહીં વધારે પ્રમાણમાં પ્રવાસીઓ એકત્ર થઈ જતાં પોલીસ તૈનાત કરવી પડી હતી.
હિલ સ્ટેશન અને પ્રવાસન સ્થળો પર લોકોની ભીડથી ફરી કેસો વધી શકે છે
હિલ સ્ટેશન અને પ્રવાસન સ્થળોએ લોકોના ટોળા દેખાતા પણ સરકારે ચેતવણી આપી છે. કેન્દ્રએ કહ્યું હતું કે કોઇ પણ પ્રકારની બેદરકારી દાખવવામાં આવી તો કોરોનાના કેસોમાં ફરી વધારો થઇ શકે છે. સ્વાસ્થ્ય સચિવ લવ અગ્રવાલે કહ્યું હતું કે દેશમાં હજુ પણ કોરોનાની બીજી લહેર પુરી નથી થઇ, એવામાં માસ્ક ન પહેરવુ અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરવું જોખમકારક સાબીત થઇ શકે છે. કોઇ પણ પ્રકારની બેદરકારીથી કોરોના વાઇરસ ફેલાવવાનું જોખમ વધી શકે છે. કેટલાક દેશોમાં બેદરકારી બાદ કોરોનાના કેસો વધ્યા હતા. જેમ કે બ્રિટનમાં યૂરો2020 ફૂટબોલ મેચ બાદ કોરોનાના કેસો વધી ગયા હતા. તેવી જ રીતે બાંગ્લાદેશમાં પણ બીજી લહેર બાદ ત્રીજી લહેર આવી અને આ દરમિયાન કોરોનાના કેસોમાં મોટો ઉછાળો આવ્યો હતો. જેને પગલે બાંગ્લાદેશે પુરા દેશમાં લોકડાઉન લાગુ કરવું પડયું હતું.
દેશમાં કોરોના વાયરસની સ્થિતિ
દેશમાં સતત 14મા દિવસે 50 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 41,506 નવા કેસ નોંધાયા હતા ને 896 લોકોના મોત થયા હતા. શનિવારે 1206 લોકોના મોત થયા હતા. જુલાઈ મહિનામાં જે સૌથી વધુ મૃત્યુઆંક છે.
- કુલ કોરોના કેસ - ત્રણ કરોડ 7 લાખ 95 હજાર 716
- કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 99 લાખ 75 હજાર 064
- કુલ એક્ટિવ કેસ - 4 લાખ 54 હજાર 118
- કુલ મોત - 4 લાખ 8 હજાર 40