નવી દિલ્હીઃ દેશમાં આજે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. ઘણા રાજ્યોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થઈ ગયો છે. દેશમાં કોરોનાકાળમાં પેટ્રોલ અને ડીઝલનો વધતો ભાવવધારો લોકોની હાડમારી વધારી રહ્યો છે અને આ ભાવ વધારો હાલ અટકે તેવા કોઈ સંજોગો દેખાતા નથી. દેશમાં શનિવારે વધુ એક પેટ્રોલમાં ૩૫ પૈસા જ્યારે ડીઝલમાં ૨૬ પૈસાનો વધારો થતાં ઈંધણના ભાવ નવી ઊંચાઈએ પહોંચ્યા હતા. આ વધારાના પગલે ઉત્તર પ્રદેશ, છત્તિસગઢ અને નાગાલેન્ડમાં પણ પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૦ને પાર થઈ ગયો છે. આ સાથે દેશના ૧૭ રાજ્યોમાં પેટ્રોલે જ્યારે ડીઝલે ત્રણ રાજ્યોમાં રૂ. ૧૦૦ની સપાટી વટાવી છે. ઈંધણના ભાવ વધારા મુદ્દે કેન્દ્રની ટીકા કરતાં કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરીએ કહ્યું કે કેન્દ્ર સરકારે આ વર્ષે પેટ્રોલ અને ડીઝલમાં ૬૯ વખત ભાવ વધારીને રૂ. ૪.૯૧ લાખ કરોડની કમાણી કરી છે.


કયા રાજ્યોમાં ભાવ 100ને પાર


દેશમાં શનિવારે ઈંધણમાં ભાવવધારા સાથે ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લા, છત્તિસગઢના કાંકેર, જશપુર અને નારાયણપુર જિલ્લાઓ તથા નાગાલેન્ડના કોહિમામાં પેટ્રોલે રૂ. ૧૦૦ની સપાટી વટાવી છે. આ ત્રણ રાજ્યો સાથે દેશમાં કુલ ૧૭ રાજ્યોમાં પેટ્રોલ રૂ. ૧૦૦ને પાર થઈ ગયું છે, જેમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, તામિલનાડુ, કેરળ, બિહાર, પંજાબ, લદ્દાખ, સિક્કિમ અને પુડુચેરીનો સમાવેશ થાય છે. ઉપરાંત રાજસ્થાન, ઓડિશા અને મધ્ય પ્રદેશમાં ડીઝલ પણ રૂ. ૧૦૦ને પાર થઈ ગયું છે.


કેટલો વસૂલવામાં આવે છે ટેક્સ


દિલ્હીમાં પેટ્રોલનો ભાવ વધીને રૂ. ૧૦૦.૯૧ અને ડીઝલ રૂ. ૮૯.૮૮ થયો છે. દિલ્હીમાં પેટ્રોલના રિટેલ ભાવમાં ૫૫ ટકા હિસ્સો ટેક્સનો છે, જેમાં કેન્દ્ર દ્વારા એક્સાઈઝ સ્વરૂપે પ્રતિ લીટર રૂ. ૩૨.૯૦ અને રાજ્ય સરકાર દ્વારા વેટ સ્વરૂપે રૂ.૨૨.૮૦ વસૂલવામાં આવે છે. એ જ રીતે ડીઝલમાં પણ  રૂ. ૩૧.૮૦ એક્સાઈઝ અને રૂ. ૧૩.૪૦ વેટ સ્વરૂપે વસૂલાય છે. અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ૩૪ પૈસા વધીને રૂ. ૯૭.૬૪ અને ડીઝલનો ભાવ ૨૮ પૈસા વધીને રૂ. ૯૬.૭૨ થયો છે.


4 મે પછી પેટ્રોલ 38 વખત, ડીઝલ 36 વખત મોંઘુ થયું


મધ્ય પ્રદેશના ભોપાલ અને ઈન્દોરમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૧૧૦ની નજીક પહોંચી ગયો છે જ્યારે ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૯૯ થયો છે. જોકે, રાજ્યના અન્ય કેટલાક જિલ્લામાં પેટ્રોલ રૂ. ૧૧૦ અને ડીઝલ રૂ. ૧૦૦ને પાર થઈ ગયા છે તેમ પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ અજય સિંહે જણાવ્યું હતું. પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની ચૂંટણી વખતે ૧૮ દિવસના વિરામ પછી ૪થી મે પછી અત્યાર સુધીમાં પેટ્રોલમાં ૩૮ વખત અને ડીઝલમાં ૩૬ વખત ભાવ વધ્યા છે. આ સમયમાં પેટ્રોલ રૂ. ૧૦.૫૧ અને ડીઝલ રૂ. ૯.૧૫ મોંઘા થયા છે. કેન્દ્રીય ઓઈલ મંત્રી હરદીપસિંહ પુરીને આ સંદર્ભમાં સવાલ કરવામાં આવતા તેમણે કોઈપણ ટીપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો હતો.


કેન્દ્ર સરકારને કેટલી થઈ આવક


બીજીબાજુ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મુદ્દે કોંગ્રેસ નેતા અને લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢતાં જણાવ્યું હતું કે, ૧લી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ૬૯ વખત વધારો કરાયો છે અને કેન્દ્ર સરકારે રૂ. ૪.૯૧ કરોડની આવક કરી છે.