નવી દિલ્હીઃ કોરોના વાયરસના ખતરાને જોતાં કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ દેશભરમાં ટોલ પ્લાઝા પર લાગતાં ટોલ ટેક્સને હાલ બંધ કરવાની જાહેરાત કરી છે. ગડકરીએ કહ્યું, તેનાથી ઈમરજન્સી સેવાઓની સપ્લાઇમાં આવતી મુશ્કેલીને ઘટાડી શકાશે, ઉપરાંત સમય પણ બચાવી શકાશે.


ગડકરીએ એણ પણ કહ્યું કે, ટોલ પ્લાઝા પર સડકોની સાફ સફાઈ અને ઈમરજન્સી સંસાધનોની ઉપલબ્ધતા હંમેશાની જેમ ચાલુ રહેશે. હાલ લોકડાઉનના કારણે વાહનોની અવર-જવર નહીંવત થઈ ગઈ હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

હાલ સમગ્ર ભારતમાં લોકડાઉન છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસને નાથવા દેશભરમાં જાહેર કરેલા 21 દિવસના લોકડાઉનનો આજે બીજો દિવસ છે, જે 14 એપ્રિલ સુધી લાગુ રહેશે. ત્યાં સુધી દેશમાં બસ, રેલ અને હવાઇ સેવા પણ બંધ રહેશે.

લોકડાઉન દરમિયાન લોકોને જરૂરી સામાન જેવી કે દવા, ખાવા પીવાની ચીજો અને મેડિકલ સ્ટોર ખુલ્લા રખાશે. ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા 600ને પાર કરી ગઈ છે, જ્યારે 11 લોકોના મોત થયા છે.