ભોપાલ:  દેશમાં ફરી કોરોના વાયરસ (Coronavirus)નો રાફડો ફાટ્યો છે. સંક્રમિતોની સંખ્યમાં સતત વધારો થઈ રહ્યો છે. મધ્યપ્રદેશ (Madhya Pradesh)માં પણ કોરોના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.  કોરોના સ્થિતને જોતાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે (shivraj singh chauhan) રાજ્યમાં શુક્રવારે સાંજે 6 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી તમામ શહેરોમાં લોકડાઉન (Lockdown) લાગુ કરવાની જાહેરાત કરી દીધી છે. 



મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના તમામ  શહેરી  વિસ્તારમાં આ નિર્ણય લાગુ રહેશે. શિવરાજ સિંહ ચૌહાણે (shivraj singh chauhan) કહ્યું કે, વધતા સંક્રમણના પગલે ભવિષ્યમાં વધુ કડક નિયમો પણ લાગુ કરવામાં આવી શકે છે.  તેઓએ કહ્યું કે, જ્યાં કોરોના કેસ વધારે છે ત્યાં ક્રાઈસિસ મેનેજમેન્ટ ગ્રુપની મીટિંગ બાદ નિર્ણય  લેવામાં આવશે. 



આ પહેલા બુધવારે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે  8 એપ્રિલથી રાજ્યના તમામ શહેરી વિસ્તારોમાં નાઇટ કર્ફ્યુ લાગુ કરવાની જાહેરાત કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે, રાજ્યની તમામ સરકારી કચેરીઓ આગામી ત્રણ મહિનામાં અઠવાડિયાના માત્ર પાંચ દિવસ (સોમવારથી શુક્રવાર) કાર્યરત રહેશે. 


મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમણ વધ્યું


મધ્યપ્રદેશ(Madhya Pradesh)માં બુધવારે કોરોના વાયરસના 4,043 નવા કેસ નોંધાયા હતા. તેની સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં વાયરસથી સંક્રમિત કુલ લોકોની સંખ્યા 3,18,014 પર પહોંચી ગઈ છે. રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, આ રોગચાળાને કારણે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વધુ 13 લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 4,086 પર પહોંચી ગયો છે. તેમણે કહ્યું કે, કોવિડ -19 ના 866 નવા કેસ બુધવારે ઈન્દોરમાં આવ્યા હતા, જ્યારે ભોપાલમાં 618 નવા કેસ નોંધાયા હતા.



 


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


 


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,26,789 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 685 લોકોના મોત થયા છે. જોકે 59,258 લોકો ઠીક પણ થયા છે.  



  • કુલ કેસ-  એક કરોડ 29 લાખ 28 હજાર 574

  • કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 18 લાખ 51 હજાર 393

  • કુલ એક્ટિવ કેસ - 9 લાખ 10 હજાર 319

  • કુલ મોત - એક લાખ 66 હજાર 862


9 કરોડથી વધારેને રસી અપાઈ


 


દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 9 કરોડ 01 લાખ 98 હજાર 673 ડોઝ આપવામાં આવ્યા છે.