નવી દિલ્હીઃ પૂર્વ એથલીટ ફ્લાઈંગ શીખ મિલ્ખા સિંહનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ (Milkha Singh Corona Positive) આવ્યો છે. તેમની તબિયત સ્થિર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. બુધવારે રાતે તેમને તાવ હતો. હાલ તેઓ હોમ આઈસોલેશનમાં (Home Isolation) છે, 91 વર્ષીય એથલીટે કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લોકોને લોકડાઉનમાં (Lockdown) ઘરની અંદર રહેવાની અપીલ કરી હતી.


મિલ્ખા સિંહની સાથે તેમના પરિવારના બીજા સભ્યોનો પણ ટેસ્ટ કરાવાયો છે.જેમાં તેમના બે નોકર પણ સંક્રમિત થયા હોવાનુ જાણવા મળ્યુ છે.જોકે તેમના પત્ની તથા પૌત્રનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. મિલ્ખા સિંહ પણ ચંદીગઢમાં રહે છે.જ્યાં હવે કોરોનાના કેસ ધીરે ધીરે ઓછા થઈ રહ્યા છે.કોરોનાના કેસમાં અહીંયા છેલ્લા 10 દિવસમાં પચાસ ટકાનો ઘટાડો થયો છે.24 કલાકમાં અહીંયા 414 કેસ સામે આવ્યા છે.


ભારત માટે આંતરરાષ્ટ્રિય સ્તરે શાનદાર પ્રદર્શન કરનાર મિલ્ખા સિંહ પર બોલિવુડમાં ફિલ્મ પણ બની હતી અને તેમાં ફરહાન અખ્તરે મિલ્ખા સિંહનો રોલ શાનદાર રીતે ભજવ્યો હતો.



દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,76,077 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3874 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,69,077 લોકો ઠીક પણ થયા છે.   



  • કુલ કેસ-  બે કરોડ 57 લાખ 72 હજાર 400

  • કુલ ડિસ્ચાર્જ- બે કરોડ 23 લાખ 55 હજાર 440

  • કુલ એક્ટિવ કેસ - 31 લાખ 29 હજાર 8789

  • કુલ મોત - 2 લાખ 87 હજાર 112


સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશના આઠ રાજ્યોમાં એક લાખથી વધુ કેસ છે. જેમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ,  તમિલનાડુ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. જ્યારે ગુજરાત સહિત 10 રાજ્યોમાં 50 હજારથી એક લાખ એક્ટિવ કેસ છે. 18 રાજ્યોમાં 50 હજારથી ઓછા એક્ટિવ કેસ છે.


ICMR ના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 32,03,01,177 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જે પૈકી 18 મે ના રોજ 20,08,926 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.