નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આજે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે ફોન પર વાત કરી છે. આ વાતચીત બાદ પીએમ મોદીએ ટ્વિટ કરી કહ્યું કે આજે જો બાઈડેન સાથે એક ઉપયોગી વાતચીત થઈ. અમે બંને દેશોમાં COVIDની સ્થિતિ પર વિસ્તારથી ચર્ચા કરી. મે ભારતને અમેરિકા તરફથી પ્રદાન કરવામાં આવતા સમર્થનને લઈને રાષ્ટ્રપતિ બિડેનનો આભાર માન્યો. 


પીએમ મોદીએ એક અન્ય ટ્વિટમાં કહ્યું કે બાઈડેન સાથે ચર્ચા દરમિયાન રસીકરણના કાચા માલ અને દવાઓની સપ્લાઈ ચેનને પણ રેખાંકિત કરી. ભારત-અમેરિકા સ્વાસ્થ્ય સેવા ભાગીદારી COVID-19ની વૈશ્વિક મહામારીનું સમાધાન કરી શકે છે.



અમેરિકા ભારતને વેન્ટિલેટર્સ પીપીઈ કિટ્સ, રેપિડ ડાયગનોસ્ટિક ટેસ્ટ કિટ્સ વગેરે ઉપલબ્ધ કરાવી રહ્યું છે. મહત્વનું છે કે રવિવારે ભારતીય એનએસએ અજીત ડોભાલ અને અમેરિકાના એનએસએ જેક સુલિવને વાત કરી હતી. ત્યારબાદ અમેરિકાએ રસી માટે કાચો માલ ઉપલબ્ધ કરાવવાનું કહ્યું હતું. આ સાથે કોરોના સામે લડવા માટે જરૂરી મેડિકલ સાધનો આપવાની જાહેરાત કરી હતી. 


બાઇડેને એક ટ્વીટમાં કહ્યુ હતુ, વૈશ્વિક મહામારીની શરૂઆતમાં અમારી હોસ્પિટલો પર ખુબ દબાવ વધી ગયા બાદ જેમ ભારતે અમેરિકાને મદદ મોકલી હતી, તેમ અમે આ સમયમાં ભારતની મદદ માટે દ્રઢ સંકલ્પિત છીએ. 



બંને દેશોના એનએસએ વચ્ચે ફોન પર થયેલી વાતચીત બાદ વાઇટ હાઉસે નિવેદન જારી કર્યુ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકી એનએસએ જેક સુલિવને ભારતની સાથે એકતા જાહેર કરી છે. બન્ને દેશોની સાત દાયકાની સ્વાસ્થ્ય ભાગીદારી છે, જેમાં પોલિયો, એચઆઈવી, સ્મોલપોક્સ વિરુદ્ધ લડાઈ લડી. હવે બન્ને દેશો વૈશ્વિક મહામારી કોરોના વાયરસ વિરુદ્ધ પણ સાથે લડાઈ જારી રાખશે. મહામારીની શરૂઆતમાં જે રીતે ભારતે અમેરિકાની હોસ્પિટલો માટે મદદ મોકલી હતી, તે રીતે અમેરિકા પણ ભારતને મુશ્કેલ સમયમાં મદદ માટે દ્રઢતા દેખાડે છે.