નવી દિલ્હીઃ કોરોના વાયરસનો સામનો કરી રહેલા અમેરિકાને ભારતે હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવાની નિકાસની મંજૂરી આપી દીધી છે. ભારતે દવાની નિકાસને મંજૂરી આપ્યા બાદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સૂર બદલાઈ ગયા છે.  તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતના મોં ફાટ વખાણ કર્યા હતા.

ટ્રમ્પે કહ્યું, હું પ્રધાનમંત્રી મોદીનો આભાર માનવા ઈચ્છુ છું. તેમણે મારી વિનંતી પર મંજૂરી આપી છે. તેમનું હૃદય વિશાળ છે. આ મદદને અમે હંમેશા યાદ રાખીશું. તેમણે એમ પણ લખ્યું કે, પડકારજનક સમયમાં મિત્રોના સહયોગની જરૂર હોય છે. અમે હાઇડ્રોકસીક્લોરોકવીન પર ફેંસલા માટે ભારત અને ભારતના લોકોનો આભાર માનીએ છીએ. અમેરિકાના રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી મોદીનો આભાર માનતા કહ્યું કે, તમારા મજબૂત નેતૃત્વથી ન માત્ર ભારત પરંતુ આ પડકાર સામે લડી રહેલી માનવતાને મદદ મળશે.



ટ્રમ્પે ભારત પાસે હાઇડ્રૉક્સીક્લૉરોક્વીન માંગી હતી. હવે ટ્રમ્પે કહ્યું છે કે જો ભારત હાઇડ્રૉક્સી ક્લૉરોક્વીનની નિકાસ પરનો પ્રતિબંધ નહીં હટાવે તો અમે બદલાની કાર્યવાહી કરીશું.  અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે દ્વારા નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં તેમણે કહ્યું, જરૂરી દવાનો દેશમાં પૂરતો સ્ટોક હોય તે અમારી પ્રાથમિકતા છે. લોકો પોતાની જરૂરિયાતો પૂરી કરી શકે તે માટે કેટલીક દવાઓના નિકાસ પર થોડા સમય માટે રોક લગાવી દેવામાં આવી હતી. પરંતુ વર્તમાન સ્થિતિને જોતાં સરકારે 14 દવાના નિકાસ પરથી પ્રતિબંધ હટાવી લીધો છે.

વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, પેરાસિટામોલ અને હાઇડ્રોક્સી ક્લોરોક્વીનેને લઈ સતત રિવ્યૂ કરવામાં આવી રહ્યો છે. જ્યારે એક વખત દેશમાં તેનો ભરપૂર સ્ટોક થઈ જશે ત્યારે કંપનીઓ તરફથી તેના આધારે ફેંસલો લેવામાં આવશે. કેટલાક પડોશી દેશો પૂરી રીતે અમારી પર નિર્ભર હોવાથી તેમનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું હોવાનું વિદેશ મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું હતું. જે દેશોમાં કોરોના વાયરસને લઈ સ્થિતિ વધારે ખરાબ છે તે દેશોને દવા મોકલવામાં આવશે.