નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે સુપ્રીમ કોર્ટે બુધવારે મોટો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે આદેશ આપ્યો કે માન્યતા પ્રાપ્ત સરકારી કે ખાનગી લેબમાં કોરોના વાયરસની તપાસ ફ્રીમાં થશે. તે માટે કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે, તે માન્યતા પ્રાપ્ત  તમામ લેબોને ફ્રીમાં કોરોના તપાસ કરવાનો આદેશ આપે.


સુપ્રીમ કોર્ટે સાથે તે પણ કહ્યું કે, કોરોના વાયરસની તપાસ માત્ર તે લેબ કરે જે NABL એટલે કે  National Accreditation Board for Testing and Calibration Laboratoriesથી માન્યતા પ્રાપ્ત લેબો કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન કે ICMR (ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ) પાસેથી મંજૂરી પ્રાપ્ત કોઈ એજન્સી દ્વારા થવા જોઈએ.

સર્વોચ્ચ અદાલતમાં થયેલી એક રીટ અરજી પર સુનાવણી સમયે દેશમાં કોરોના ટેસ્ટ જે ખાનગી લેબમાં થાય છે. તેના માટેનો ચાર્જ જે તે વ્યક્તિ ચૂકવશે નહી તે સ્પષ્ટ કર્યુ છે અને આ રકમ સરકાર પેમેન્ટ કરશે અથવા ખાનગી લેબ ખુદ ભોગવશે. ખાનગી લેબોરેટરી કોરોના સામે રૂા.4500 થી રૂા.5000 સુધીનો ચાર્જ વસુલે છે.

આ સુનાવણી સમયે એડવોકેટ જનરલ તુષાર મહેતા હાજર હતા. તેઓએ કહ્યું કે કોરોના સામે સરકાર દરેક શક્ય પ્રયત્નો કરી રહી છે. સર્વોચ્ચ અદાલતે દેશની હોસ્પિટલોમાં તબીબો સાથે જે હુમલા ગેરવર્તન થાય છે તેના પર પણ નારાજકી વ્યક્ત કરી હતી અને સરકારને તબીબોની તથા પુરા મેડીકલ સ્ટાફ અને કોરોના સંબંધી કામગીરીમાં જે લોકો જોડાયા છે તેની સુરક્ષાની વ્યવસ્થા કરવા પણ આદેશ આપ્યો હતો.

નોંધનીય છે કે, સરકારે પહેલા ખાનગી લેબને ટેસ્ટ માટે 4500 રૂપિયા લેવાની મંજૂરી આપી હતી. જેને વકીલ શશાંક દેવ સુધીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેમણે કહ્યું હતું કે, કોરનાની રોકથામ સરકારની જવાબદારી છે. લોકડાઉન દરમિયાન લોકોની આર્થિક સ્થિતિ સારી નથી. સુપ્રીમ કોર્ટે પણ આ માગને યોગ્ય ગણાવતા ખાનગી લેબને કોરોનાની તપસા માટે રૂપિયા લેવાની મંજૂરી આપવામાં ન આવે. દેશ બીમારીને કારણે જે રીતે ગંભીર સ્થિતિનો સામનો કરી રહ્યો છે ત્યારે આ પ્રકારની તપાસ લોકો માટે ફ્રીમાં રાખવી જોઈએ, જેથી બીમારી પર નિયંત્રણ લગાવવામાં આવી શકે.