Coronavirus Vaccination Update: કોરોના સંક્રમણ ચાલી રહેલા જંગમાં ભારતે આજે ફરી એક નવો ઈતિહાસ રચ્યો છે. દેશમાં આજે ફરી એક વખત એક કરોડથી વધારે લોકોનો કોરોના ડોઝ આપવામાં આવ્યા છે. આજના દિવસે નવો રેકોર્ડ બનાવ્યો છે.


આ પહેલા દેશમાં તાજેતરમાં 1.09 કરોડ લોકોને કોરોના રસી આપવામાં આવી હતી પરંતુ આજે આ આંકડો વધુ આગળ વધ્યો છે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ અંગે ખુશી વ્યક્ત કરતું ટ્વીટ કર્યું છે.


માંડવિયાએ ટ્વીટ કરીને લખ્યું, દેશે સ્થાપિત કર્યો નવો કીર્તિમાન, પીએમ મોદીના સૌને વેક્સિન, મફત વેક્સિન અભિયાન અંતર્ગત 1.09 કરોડથી વધારે ડોઝના પાછલા રેકોર્ડને તોડતાં આજે નવો કીર્તિમાન બનાવ્યો છે. આજે દેશમાં અત્યાર સુધીના સૌથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે અને આ સંખ્યા સતત વધી રહી છે. તમામ દેશવાસીઓને અભિનંદન.




ભારતમાં પાંચ દિવસ બાદ 40 હજારથી ઓછા કેસ નોંધાયા છે. મોતનો આંકડો પણ ઘટ્યો છે. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 30,941 નવા કોરોના કેસ નોંધાયા છે અને 350 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 24 કલાકમાં 36,275 લોકો કોરોનાથી ઠીક થયા છે. એટલે કે ગઈકાલ કરતાં 5684 એક્ટિવ કેસ ઘટ્યા છે.


દેશમાં છેલ્લા પાંચ દિવસથી રોજન 40 હજારથી વધારે કેસ નોંધાતા હતા. બુધવારે 46,164, ગુરુવારે 44,658, શુક્રવારે 46,759, શનિવારે 45,083 અને સોમવારે 42,909 કોરોના કેસ નોંધાયા હતા.


દેશમાં કોરોનાની શું છે સ્થિતિ



  • કુલ કેસઃ 3 કરોડ 27 લાખ 68 હજાર 80

  • કુલ ડિસ્ચાર્જઃ 3 કરોડ 19 લાખ 59 હજાર 680

  • કુલ એક્ટિવ કેસઃ 3 લાખ 70 હડાર 640

  • કુલ મોતઃ 4 લાખ 38 હજાર 560


હિમાચલ પ્રદેશમાં તમામ લોકોને પ્રથમ ડોઝ


ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાએ ટ્વીટ કરીને લખ્યું, હિમાચલ પ્રદેશમાં દરેક વયસ્ક નાગરિકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. આમ કરનારું તે પ્રથમ રાજ્ય બની ગયું છે. આ ઉપલબ્ધિ માટે હિમાચલ પ્રદેશની જનતા અને સરકારને અભિનંદન આપું છું. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતનું રસીકરણ અભિયાન વિશ્વમાં સૌથી ઝડપી છે.