પણજીઃ મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ ટ્રાફિક નિયમો વધુ કડક બનાવ્યા છે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરતાં લોકોને મેમો મોકલવામાં આવી રહ્યા છે. પ્રવાસીઓની પસંદગીના રાજ્ય ગોવાના ટ્રોફિક ડીવાયએસપી શેખ સલીમે જણાવ્યું, વર્ષના પ્રથમ છ મહિનામાં 460 મોટર સાઇકલ ચાલકોના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. ડ્રાઇવિંગ દરમિયાન મોબાઇલ ફોન પર વાત કરવા બદલ તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.


નોર્થ ગોવામાં આવેલા ટ્રાફિક પોલીસ હેડ ક્વાર્ટરમાં તેમણે વધુ માહિતી આપતાં કહ્યું કે, 2021ના પ્રથમ છ મહિનામાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ 1831 લોકોના ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.




થોડા દિવસો પહેલા જ કેન્દ્રીય પરિવહન મંત્રાલયે નવા નિયમ  જાહેર કર્યાં છે, જે પ્રમાણે રાજ્યોની એજન્સીઓને ટ્રાફિક નિયમોના ભંગ સંબંધિત ગુનાઓના 15 દિવસની અંદર ગુનેગારને નોટિસ મોકલવી પડશે. સાથે ચલણના ઉકેલ સુધી ઇલેક્ટ્રોનિક રેકોર્ડ રાખવો પડશે. એટલે કે ટ્રાફિક નિયમ તોડવા પર હવે પોલીસકર્મી માત્ર ફોટો પાડીને તમારી પાસે ચલણ મોકલી શકશે નહીં. હવે ચલણ કરવા માટે તેને ઇલેક્ટ્રોનિક રેકોર્ડની જરૂર પડશે. 


રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય એ ઇલેક્ટ્રોનિક મોનિટરિંગ અને સડક સુરક્ષાના પ્રવર્તન માટે સંશોધિત મોટર વાહન અધિનિયમ 1989 હેઠળ એક નોટિફિકેશન જાહેર કર્યું છે. તેમાં ચલણ જારી કરવા માટે ઇલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગ કરવાની વાત કહી છે. મંત્રાલયે ટ્વીટ કરતા કહ્યું- 'ગુનાની જાણ ઘટનાના 15 દિવસની અંદર મોકલવામાં આવશે અને ઇલેક્ટ્રોનિક મોનિટરિંગ દ્વારા એકત્રિત ઇલેક્ટ્રોનિક રેકોર્ડ ચલણના સમાધાન સુધી સંગ્રહિત થવું જોઈએ.'


નવા નિયમો પ્રમાણે ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવશે. તેમાં મોશન કેપ્ચર, પિક્ચર કેમેરા (કારની સ્પીડની જાણકારી આપતો કેમેરો), સીસીટીવી કેમેરા, સ્પીડ ગન, બોકી કેમેરા, મોટરના ડેશબોર્ડ પર લાગનાર કેમેરા, ઓટોમેટિક નંબર પ્લાનની ઓળખ સંબંધિત ડિવાઇસ (ANPR), વજન જણાવનાર મશીન અને અન્ય ઇલેક્ટ્રિક સાધનો સામેલ છે. નોટિફિકેશન અનુસાર રાજ્ય સરકારો તે નક્કી કરશે કે ટ્રાફિક નિયમોનું પાલન કરાવનાર બધા ઇલેક્ટ્રિક સાધનોને રાષ્ટ્રીય રાજમાર્ગો અને રાજ્ય રાજમાર્ગોના અતિ જોખમ અને વ્યસ્ત રસ્તા પર લગાવવામાં આવે. તે સિવાય ઓછામાં ઓછી 10 લાખથી વધુ વસ્તીવાળા મુખ્ય શહેરના મહત્વપૂર્ણ સર્કલ પર આ સાધનોને લગાવવામાં આવે.