No Mask: દેશમાં જીવલેણ કોરના વાયરસ મહામારીના નવા મામલામાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં સતત 13માં દિવસે બે હજારથી ઓછા કેસ નોંધાયા છે. દિલ્હી બાદ હવે હરિયાણામાં પણ માસ્ક લગાવવું ફરજિયાત નથી. હરિયાણામાં પણ માસ્ક પહેરવાની ફરજિયાત જરૂરિયાત નાબૂદ કરવામાં આવી છે. માસ્ક નહીં પહેરવા પર હવે દંડ નહીં લાગે. આ માટે આરોગ્ય વિભાગે આદેશ જારી કર્યા છે. કોરોનાની ઘટતી અસરને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.


શું સલાહ આપવામાં આવી


ગૃહ સચિવ રાજીવ અરોરાએ શનિવારે આ અંગે આદેશ જારી કર્યો હતો. જે મુજબ રાજ્યમાં માસ્ક પહેરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. અત્યાર સુધી, જાહેર સ્થળોએ માસ્ક ન પહેરનારાઓ માટે 500 રૂપિયાનું ચલણ કાપવામાં આવતું હતું. જો કે, આદેશમાં જાહેર સ્થળોએ બહાર જતી વખતે માસ્ક પહેરવાની અને સ્વચ્છતાનું ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવી છે, જેથી ચેપથી બચી શકાય.


રાજ્યમાં શું છે કોરોનાની સ્થિતિ


રાજ્યના 22માંથી સાત જિલ્લા ઝજ્જર, રેવાડી, કુરુક્ષેત્ર, મહેન્દ્રગઢ, અંબાલા, સિરસા અને યમુનાનગર સંપૂર્ણપણે કોરોના મુક્ત થઈ ગયા છે. હિસાર, ફતેહાબાદ અને પાણીપતમાં એક-એક, કૈથલ, નૂહ, જીંદ અને રોહતકમાં બે-બે, કરનાલ અને ચરખી દાદરીમાં ત્રણ-ત્રણ, પંચકુલા અને ભિવાનીમાં ચાર-ચાર, પલવલમાં પાંચ અને સોનીપતમાં છ કેસ છે.




ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


 દેશમાં છેલ્લા 24 કલાકમાં 1260 નવા કેસ અને 83 સંક્રમિતોના મોત થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 0.24 ટકા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં 1404 લોકો ઠીક થયા છે, જે બાદ હવે એક્ટિવ મામલાની સંખ્યા ઘટીને 13,445 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,21,264 પર પહોંચ્યો છે. દેશમાં 4,24,92,326 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 184 કરોડથ વધારે રસીના ડોઝ આપવામાં આવ્યા છે.  જેમાંથી ગઈકાલે 18,38,552 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.