નવી દિલ્હીઃ દેશમાં હાલ કોરોનાના કેસ ઘટી ગયા છે, જ્યારે વિશ્વના ઘણા દેશોમાં ફરીથી કોરોનાનો રાફડો ફાટ્યો હોય તેમ કેસ વધી રહ્યા છે. આ દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાને લઈ મોટી વાત કહી છે.  વિશ્વ આરોગ્ય સંસ્થાના સાઉથ-ઇસ્ટ રિજનના રિજિયોનલ ડાયરેકટર પૂનમ ખેત્રપાલ સિંહે એક મુલાકાતમાં જણાવ્યું હતુ કે કોરોના વાયરસ લાંબા સમય સુધી પ્રસરતો રહેશે.


લાંબા ગાળે કોરોના મહામારી કોરોના રોગચાળામાં ફેરવાશે પણ તેનો આધાર સમુદાયમાં કોરોનાના ચેપ સામે  પ્રતિકારકતા ચેપ દ્વારા કે કોરોનાની રસી દ્વારા કેટલી  વિકસી છે તેના પર નિર્ભર છે. તેમણે જણાવ્યું હતું કે આપણે વાયરસના નિયંત્રણમાં રહેવાને બદલે તેના પર નિયંત્રણ મેળવવાની સ્થિતિ હાંસલ કરવી જોઇએ.


વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાની ઉત્પત્તિની નવેસરથી ફરી તપાસ કરવા માટે  ૨0 વિજ્ઞાાનીઓની ટીમની રચના કરી છે જે ચીન અને અન્ય સ્થળોએ જઇને તપાસ કરશે. આ ટીમમાં લેબ સિક્યોરિટી, બાયોસિક્યોરિટી, જેનેટિસ્ટ અને એનિમલ ડિસિઝ નિષ્ણાતો સામેલ છે.  


ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


દેશમાં સતત બીજા દિવસે 20 હજારથી ઓછા કેસ નોંધાયા હતા. બુધવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 18,870 નવા કેસ અને 378  સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 28,178 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.   એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 2,82,520 પર પહોંચી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ કેસ પૈકી કેરળમાં જ 11,196 નવા કેસ નોંધાયા હતા અને 149 લોકોના મોત થયા હતા. આમ કેરળની સ્થિતિ હજુ પણ ચિંતાજનક છે. દેશમાં અત્યાર સુધીમાં 87,66,63,490 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 54,13,332 લોકોને ગઈકાલે રસી આપવામાં આવી હતી. આઈસીએમઆરના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં 56,74,50,185 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે, જે પૈકી 15,04,713 સેમ્પલનું ગઈકાલે ટેસ્ટિંગ થયું હતું.