Anantnag Encounter: દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગના ગડુલના જંગલોમાં સતત ત્રીજા દિવસે આતંકવાદીઓને મારવાનું ઓપરેશન ચાલુ છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ એન્કાઉન્ટરમાં ઘાયલ અન્ય એક જવાન શહીદ થયો હતો. જ્યારે બે જવાન ઘાયલ થયા છે. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે, હજુ સુધી સત્તાવાર પુષ્ટી કરવામાં આવી નથી.






જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં એન્કાઉન્ટર ચાલુ છે. જમ્મુ-કાશ્મીર પોલીસના DGP-ADG અને સેનાના વરિષ્ઠ અધિકારીઓ એન્કાઉન્ટર સ્થળ પર પહોંચી ગયા છે. અનંતનાગમાં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચાલુ છે. લશ્કરના બે આતંકવાદીઓને ઘેરી લેવામાં આવ્યા છે. ક્વોડકોપ્ટર અને ડ્રોન વડે આતંકવાદીઓ પર નજર રાખવામાં આવી રહી છે. ઓપરેશનમાં પેરા કમાન્ડોએ પણ ચાર્જ સંભાળ્યો છે. ગાઢ જંગલ અને ડુંગરાળ વિસ્તારના કારણે આ ખાસ ટુકડી તૈનાત કરવામાં આવી છે.


આ સિવાય જે પહાડી પર આતંકીઓ છૂપાયા હોવાની આશંકા હતી ત્યાં રોકેટ છોડવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષા દળોએ ઉઝૈર ખાન સહિત લશ્કર-એ-તૈયબાના બે આતંકીઓને ઘેરી લીધા છે.


અગાઉ બુધવારે સુરક્ષા દળોએ અનંતનાગના કોકરનાગમાં આતંકવાદીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સુરક્ષાદળોએ આતંકીઓને ઘેરી લીધા હતા. સુરક્ષા દળોના અધિકારીઓ જેવા આતંકીઓ જ્યાં છુપાયેલા હતા ત્યાં પહોંચ્યા કે આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.         






આ દરમિયાન આર્મીના કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ અને જમ્મુ-કાશ્મીર પોલીસના ડીએસપી હુમાયુ ભટને ગોળી વાગી હતી. ઘાયલ અધિકારીઓને તાત્કાલિક હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ આ અધિકારીઓને બચાવી શકાયા ન હતા.


આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાની શાખા TRFએ આ આતંકી ઘટનાની જવાબદારી લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલામાં 10 લાખ રૂપિયાનું ઇનામ ધરાવતો આતંકી ઉઝૈર સામેલ છે. સુરક્ષા દળોએ ઉઝૈર સહિત 2-3 આતંકીઓને ઘેરી લીધા છે.