CDS General Anil Chauhan: ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદ પર CDS જનરલ અનિલ ચૌહાણે મહત્વનું નિવેદન આપ્યું છે. CDS જનરલ અનિલ ચૌહાણે કહ્યું હતું કે, દેશ માટે સૌથી મોટો ખતરો ચીનની સરહદ પર છે. સીડીએસ જનરલ અનિલ ચૌહાણે પણ સરહદ પર્યટનની સંસ્કૃતિ વધારવા પર ભાર મૂક્યો હતો. 


CDS જનરલ અનિલ ચૌહાણે ચીનને લઈને કહ્યું હતું કે, દરેક વ્યક્તિને પોતાની સરહદો જોવાની ઈચ્છા હોય છે, તેથી સરહદ પર્યટનની સંસ્કૃતિ વધારવી પડશે.


સીડીએસ જનરલ અનિલ ચૌહાણે ઉત્તરાખંડમાં સરહદી ગામોમાં થઈ રહેલા સ્થળાંતર પર કહ્યું હતું કે, રાજ્યના ઘણા ગામો ઉજ્જડ થઈ ગયા છે. આ ગામડાઓ ફરી વસાવી શકાય કે કેમ તે અંગે આપણે શક્યતાઓ શોધવી પડશે. દેશની સુરક્ષામાં સરહદી ગામોનો પણ મહત્વનો ફાળો હોય છે. તેથી જ અહીં વસ્તીનું પુનઃસ્થાપન થાય તે જરૂરી છે. તેમણે સરહદી વિસ્તારોમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવાની પણ હિમાયત કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે એ જોવું પડશે કે શું આપણે ત્યાં સરહદી પર્યટનને લોકપ્રિય બનાવી શકીએ છીએ કે કેમ?. આ માટે પગલાં ભરવા જોઈએ.


આ સાથે જ સીડીએસ ચૌહાણે ચીન સાથેના પડકારોને ધ્યાનમાં રાખતા કહ્યું હતું કે, દેશ માટે સૌથી મોટો ખતરો ચીન બોર્ડર પર છે. આ સાથે તેમણે કહ્યું હતું કે, લિપુલેખ, બદાહોતી અને અરુણાચલ પ્રદેશમાં ચીન સાથે પણ વિવાદ ચાલી રહ્યો છે. આમ તેમણે એલએસી પર ચીન તરફથી પડકારો હોવાની વાત કબુલી હતી. જોકે તેમણે પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યો નહોતો. 


ડોકલામને લઈ કહ્યું કે.... 


પૂર્વ સૈન્ય કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ (GOC-in-C), લેફ્ટનન્ટ જનરલ કલિતાએ જણાવ્યું હતું કે, ડોકલામની વાત છે તો ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના સંદર્ભમાં કોઈ નવો વિકાસ થયો નથી.


શું ચીન ડોકલામ વિસ્તારમાં સક્રિય રીતે રસ્તાઓ, રોપવે અને અન્ય માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરી રહ્યું છે? તેના જવાબમાં, લેફ્ટનન્ટ જનરલ કલિતાએ કહ્યું હતું કે, ડોકલામની ઘટના બાદથી જ ડોકલામ વિસ્તારમાં બંને પક્ષો દ્વારા 'પ્રોટોકોલ' અનુસરવામાં આવે છે અને તે અંતર્ગત સ્થાનિક કમાન્ડરો વચ્ચે નિયમિત વાતચીત થાય છે જેથી બંને બાજુ કોઈ નવું બાંધકામ ન થાય.