તિરુવનંતપુરમઃ એકબાજુ જ્યાં દેશમાં દરરોજ નવા કોરોના કેસોની સંખ્યા ઘટી રહી છે, ત્યારે કેરાલામાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કેરાલા દેશનુ પહેલુ રાજ્ય બની ગયુ છે જ્યાં છેલ્લા 50 દિવસમાં પહેલીવાર 20 હજારથી વધુ નવા કેસો સામે આવ્યા છે. કેરાલામાં મંગળવારે કૉવિડ-19ના 22,129 નવા કેસો સામે આવ્યા છે, ત્યારબાદ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 33,05,245 થઇ ગઇ છે. વળી તપાસ સંક્રમણ દર (ટીપીઆર) ફરીથી 12 ટકાને પાર થઇ ગયો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 156 દર્દીઓના મોત થયા બાદ મૃતકોની સંખ્યા વધીને 16,326 થઇ ગઇ છે. 13,145 દર્દીઓના સંક્રમણ મુક્ત થયા બાદ કુલ સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા વધીને 31,43,043 થઇ ગઇ છે. રાજ્યમાં કુલ 1,45,371 એક્ટિવ કેસો છે. રાજ્યમાં પાંચ જિલ્લાઓમાં સંક્રમણના 2,000 થી વધુ કેસો સામે આવ્યા છે. સૌથી વધુ 4,037 કેસો મલ્લાપ્પુરમમાંથી નોંધાયા છે.
આ પછી ત્રિશૂરમાં 2,623, કોઝિકૉડથી 2,397 અને અર્નાકુલમથી 2,352 અને પલ્લકડથી 2,115, કોલ્લમથી 1,914 અને કોટ્ટાયમથી 1,136, તિરુવનંતપુરમથી 1,100, કન્નૂરથી 1,072 અને અલપ્પુઝાથી 1,064 કેસો સામે આવ્યા છે. જાહેરાતમાં બતાવવામાં આવ્યુ કે નવા દર્દીઓમાં 116 સ્વાસ્થ્ય કર્મીઓ છે.
કેન્દ્ર અને રાજ્ય સરકારની ચિંતા વધી-
ઉલ્લેખનીય છે કે સાત રાજ્યોમાં 22 જિલ્લામાં કોરોના સંક્રમણના કેસોમાં ફરી એકવાર વધારાથી કેન્દ્ર અને પ્રદેશ સરકારોની ચિંતાઓ વધારી દીધી છે. સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, કોરોનાના કેસોમાં આ વધારો ચિંતાનો વિષય છે. લવ અગ્રવાલે કહ્યું કે દેશમાં 54 જિલ્લામાં 10 ટકાથી વધુ પૉઝિટીવી કેસ છે.
દેશમાં કોરોનાની સ્થિતિ
કુલ એક્ટિવ કેસઃ 3,89,100
કુલ રિકવરીઃ 3,06,21, 469
કુલ મૃત્યુઆંકઃ 4,21,382
દેશમાં કોરોનાનો ભોગ બનવાના અથવા રસીકરણના કારણે વ્યાપક પ્રમાણમાં લોકોમાં કોરોના વાઈરસ સામે હર્ડ ઈમ્યુનિટી વિકસી છે તેમ છતાં બીજી લહેર જેવી કટોકટી ટાળવા માટે લોકોએ કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ તેમ નિષ્ણાતોએ જણાવ્યું છે. એઈમ્સના કોવિડ-૧૯ આઈસીયુનું સંચાલન કરી રહેલા ડૉ. યુદ્ધવીર સિંહે જણાવ્યું હતું કે કોરોનાના કેસ ઓછા છે ત્યારે કેટલાક નિયંત્રણો સાથે આર્થિક પ્રવૃત્તિઓ ફરી શરૂ થાય તે મહત્વનું છે. જોકે, લોકોએ કોરોના પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ. કોરોનાના કેસ ઓછા છે તેમ માનીને લોકોએ બેદરકારી રાખવી જોઈએ નહીં. તેમણે ઉમેર્યું હતું કે દિલ્હીમાં કોરોનાની બીજી લહેર દરમિયાન મોટી સંખ્યામાં નોંધાયેલા કેસને ધ્યાનમાં લેતાં મોટાભાગના લોકોમાં હર્ડ ઈમ્યુનિટી વિકસી ગઈ છે. વિશ્વના વિવિધ ભાગોમાં ચેતવણીના સંકેતો અલગ અલગ છે. ભારતમાં પણ કેસોમાં હાલમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે. કોરોનાના કેસ કોઈપણ સમયે અચાનક જ વધી શકે છે. દેશમાં કોરોનાની બીજી લહેર જેવી કટોકટી ટાળવા માટે બધા જ લોકોએ વિશેષ કાળજી રાખવી પડશે.