નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેરને લઈ અનેક પ્રકારની અટકળો થઈ રહી છે.  આ દરમિયાન આઈસીએમઆરે કહ્યું કે, ભારતમાં કોરોનાની ત્રીજી લહેર ઓગસ્ટના અંત સુધીમાં આવી શકે છે. આઈસીએમઆરના એપિડિમિલોજી એને ઈન્ફેકશિયસ ડિસિઝના હેડ ડો. સમીરન પાંડાએ એનડીટીવી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, કોવિડ-19ની ત્રીજી લહેર ઓગસ્ટના અંત સુધીમાં આવવાની સંભાવના છે.  પરંતુ તે બીજી લહેર જેટલી તીવ્ર નહીં હોય.  


ભારતમાં કોરોનાની ત્રીજી લહેર વિશે મોટા પ્રમાણમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. દરમિયાન, ડેલ્ટા વેરિએન્ટ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે, કોરોનાના રૂપમાં સતત ફેરફારો થઇ રહ્યા છે. આનાથી ભારત માટે ત્રીજી લહેરનું જોખમ વધી ગયું છે, એક વિદેશી બ્રોકરેજ ફર્મએ પોતાના રિપોર્ટમાં આ ચિંતા વ્યક્ત કરી છે. પીટીઆઈના રિપોર્ટ મુજબ યુબીએસ સિક્યોરિટીઝ ઇન્ડિયાના ચીફ ઇકોનોમિસ્ટ તન્વી ગુપ્તા જૈનનું કહેવું છે કે કોરોનાની ત્રીજી લહેરનું જોખમ વધુ જોવા મળી રહ્યું છે. આર્થિક પ્રવૃત્તિમાં સતત વધારો થયો છે. જ્યારે, ઘણા રાજ્યોમાં પણ, કોરોના સંબંધિત છૂટછાટ આપવામાં આવી રહી છે. તેનાથી પણ ક્યાંકને ક્યાક જોખમ વધી ગયું છે. 


યુબીએસના રિપોર્ટ મુજબ પાછલા દિવસોમાં રસીકરણની ગતિ પણ ઓછી થઈ છે. જ્યાં અગાઉ દરરોજ 4 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. જ્યારે, હવે આ આંકડો દરરોજ ડોઝ દીઠ 3.4 લાખ પર આવી ગયો છે. કોરોના કુલ કેસમાંથી 45 ટકા ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઓછામાં ઓછા 20 ટકા જિલ્લાઓમાં બીજી લહેરની અસર હજી ઘટી નથી. હાલમાં અહીં દરરોજ મોટી સંખ્યામાં કોરોનાનાં કેસ નોંધાય છે. લગભગ એક મહિના પહેલા, અહીં કોરોનાના નવા કેસોની ગતિ ઘટીને પાંચ ટકા થઈ ગઈ હતી. આને કારણે ત્રીજી લહેરની ચિંતા પણ વધુ સતાવવા લાગી છે.


ભારતમાં કોરોનાનો કહેર અન્ય દેશની તુલનામાં હાલમાં ઘણો ઓછો છે. જોકે સંકટ હજુ પણ ટળ્યું નથી. દરરોજ અંદાજે 40 હજારથી વધારે નવા કેસ સામે આવી રહ્યા છે. ગુરુવારે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલ આંકડા અનુસાર, વિતેલા 24 કલાકમાં 41806 નવા કોરોનાના કેસ આવ્યા અને 581 લોકોના મોત થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 39130 લોકો કોરોનાથી ઠીક થયા છે એટલે કે નવા 2095 એક્ટિવ કેસ વધ્યા છે.


કોરોનાના કુલ કેસ


હાલમાં કોરોના એક્ટિવ કેસ ચાર લાખથી વધારે છે. દેશમાં 4 લાખ 32 હજાર લોકો હાલમાં કોરોનાથી સંક્રમિત છે જેમની સારવાર ચાલી રહી છે. કોરોનાથી અત્યાર સુધી કુલ 4 લાખ 11 હજાર 989 મોત થયા છે. સારી વાત એ છે કે અત્યાર સુધી કુલ 3 કરોડ 1 લાખ 44 હજાર લોકો ઠીક થયા છે.