નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, દિલ્હીમાં શનિવારે કોરોના વાયરસના 186 નવા કેસ નોંધાતા લાગે છે કે હવે દિલ્હીમાં કોરોના ઝડપથી ફેલાવવાનું શરૂ થઇ ગયું છે. અહી ઝડપથી કન્ટેનમેઇન્ટ ઝોન વધી રહ્યા છે. જોકે, સ્થિતિ હાલમાં નિયંત્રણમાં છે. કેજરીવાલે કહ્યુ કે, જે સ્થળો પર લોકોએ સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોનું પાલન કર્યું ત્યાં કોરોનાના કેસમાં ઝડપથી ઘટાડો જોવા મળ્યો છે.





કેજરીવાલે કહ્યું કે, દિલ્હી કોરોનાની સૌથી મુશ્કેલ લડાઇ લડી રહી છે. વિદેશોમાં આવનારા લોકોએ અહી કોરોના ફેલાવ્યો છે. જેમાં મરકઝે મોટું યોગદાન આપ્યું. દિલ્હીમાં આખા દેશની 2 ટકા વસ્તી રહે છે. પરંતુ આખા દેશમાં કોરોનાના જેટલા કેસ છે તેમાંથી 12 ટકા દિલ્હીમાં છે. સૌથી વધુ નુકસાન દિલ્હીને થયું છે.



છેલ્લા કેટલાક દિવસોથી અમે હોટસ્પોટમાં રેન્ડમ ટેસ્ટ કરાવી રહ્યા છીએ. કેટલાક વિસ્તારોમાં કેસ વધ્યા છે. કેટલાક લોકો હજુ પણ બેદરકારી રાખી રહ્યા છે.આ ચિંતાની વાત છે. દિલ્હીમાં એવા કેટલાય કેસ આવ્યા છે જે દર્દીઓમાં ખાંસી, તાવ જેવા કોરોના વાયરસના કોઇ લક્ષણ જોવા મળ્યા નથી પરંતુ તે કોરોનાથી સંક્રમિત હતા. આ ખૂબ ખતરનાક સ્થિતિ છે. દિલ્હીના તમામ 11 જિલ્લા હોટસ્પોટ છે.