નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કેર સતત વધી રહ્યો છે. એકબાજુ સરકાર નિયમોમાં કડકાઇથી અમલ કરાવી રહી છે, ત્યારે બીજીબાજુ સરકારે દેશની વિવિધ ઇન્ડસ્ટ્રીઓને ફરીથી પાટા પર લાવવા નિયમોમાં છૂટછાટ આપવાનો નિર્ણય લીધો છે. કોરોનાના વધતા કેસોની વચ્ચે સરકારે ફિલ્મો અને ટીવી સીરિયલોના શૂટિંગને લઇને મોટો નિર્ણય લીધો છે.


કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે શૂટિંગને લઇને નવા દિશાનિર્દેશ જાહેર કર્યા છે. તેમને કહ્યું કે,શૂટિંગ હવે ફરીથી શરૂ કરી શકાય છે, પરંતુ આ માટે સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોનુ પાલન કરવુ જરૂરી છે.

સૂચના પ્રસારણ મંત્રીએ કહ્યું કે, લગભગ 6 મહિનાથી ફિલ્મ અને ટીવી સીરિયલ પ્રૉડક્શન બંધ પડેલુ હતુ, કેટલાક રાજ્યોમાં પરવાનગી આપ્યા બાદ થોડુ થોડુ શરૂ થયુ હતુ. આ વિષયમાં દિશાનિર્દેશ નક્કી કરવામાં આવ્યા છે. શૂટિંગ દરમિયાન જે વ્યક્તિ ભૂમિકા-પાત્ર નિભાવી રહ્યો છે, તે માસ્ક નહીં પહેરે. બાકીના બધાને માસ્ક પહેરવુ અનિવાર્ય છે.



કોરોના સંકટને જોતા ફિલ્મો અને સીરિયલોના શૂટિંગ પર લગભગ છ મહિના પહેલા રોક લગાવી દીધી હતી. જોકે અનલૉક દરમિયાન કેટલીક ફિલ્મો અને સીરિયલોના શૂટિંગ ફરીથી શરૂ કરવામાં આવ્યા. હવે પુરેપુરા શૂટિંગની પરવાનગી મળી ગઇ છે, અને નિયમોને નક્કી કરી દેવામાં આવ્યા છે.