મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સાંજે આઠ વાગ્યે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 25,833 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. આ કોરોનાના કેસ સામે આવ્યા બાદ એક દિવસમાં નોંધાયેલા સૌથી વધારે કેસ છે. દેશમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાઈ રહ્યા છે. સમગ્ર દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. 


છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના સંક્રમણથી 58 લોકોના મોત થયા છે. અધિકારીએ જણાવ્યું કે રાજ્યમાં અત્યાર સુધીમાં 23,96,340 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. જેમાંથી 21,75,565 લોકો સ્વસ્થ થયા છે. 53,138 લોકોના મોત થયા છે.


એકલા મુંબઈ શહેરમાં આજે 2,877 નવા કેસ નોંધાયા છે અને આઠ લોકોના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે બુધવારે મહારાષ્ટ્રમાં 23,179 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. 


મુંબઈ શહેરમાં નવા  2,877 કોરોના વાયરસના કેસ નોંધાયા છે. જ્યારે 1,193 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. બ્રૃહ્નમુંબઈ પાલિકા મુજબ કોરોના સંક્રમણના કારણે કુલ 8 લોકોના મોત થયા છે.  કુલ કેસની સંખ્યા  3,52,835 છે. અત્યાર સુધીમાં  3,21,947 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. એક્ટિવ કેસની સંખ્યા 18,424 છે.  મુંબઈ શહેરમાં કુલ મૃત્યુઆંક  11,555 પર પહોંચ્યો છે. 



મહારાષ્ટ્રમાં વધી રહેલા કોરોના સંક્રમણને લઈના વિશેષજ્ઞોનું કહેવું છે કે આ બીજી મોટી લહેર છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ, કેઈએમ હોસ્પિટલના ડીન હેમંત દેશમુખે કહ્યું કે સંક્રમણના સતત વધવાના કારણે સ્થિતિ ભયાનક થઈ છે. દેશમુખે એક ટીવી ચેનલ પર કહ્યું,  'આ પ્રથમ લહેરમાં થયેલી હરકત નથી પરંતુ બીજી મોટી લહેર છે જે શરૂ થઈ રહી છે.'


તેમણે કહ્યું કે 'આ વખતે મોતની ટકાવારી ઓછી છે. તેમણે કહ્યું વાયરસ   સતત પોતાનુ સ્વરૂપ બદલી રહ્યો છે અને નિશ્ચિત રીતે તેનાથી અલગ પ્રકારનો કોરોના વાયરસ ઉત્પન્ન થઈ રહ્યો છે અને માર્ચ 2021માં એક અલગ પ્રકારનો કોવિડ-19 સામે આવી રહ્યો છે.'