નવી દિલ્હીઃ ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (ICMR)એ કોરોના વાયરસ સામેની લડાઇ વેગવંતી બનાવી છે. આઈસીએમઆરે રેપિડ એન્ટીબોડી બ્લડ ટેસ્ટ માટે દિશા નિર્દેશ જાહેર કર્યા છે. પરિષદના અધ્યક્ષ ડો. બલરામ ભાર્ગવે સરકારને પત્ર લખીને રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશો માટે તપાસ ઝડપથી શરૂ કરવા કહ્યું છે.


આ ટેસ્ટનું માત્ર 15 થી 20 મિનિટમાં પરિણામ આવે છે. જે વિસ્તારમાં કોરોના દર્દી કે શંકાસ્પદો મોટી સંખ્યામાં છે ત્યાં ઈન્ફ્લુએંઝા જેવા મામલા સ્વાસ્થ્ય વિભાગની દેખરેખ હેઠળ રહેશે. જો સંક્રમણ દર વધે તો તેની જાણકારી ચીફ મેડિકલ ઓફિસરને આપવી પડશે.

આ ટેસ્ટમાં લોહીના એક માત્ર ટીપાથી તપાસ શક્ય છે. તેનાથી દર્દીને સંક્રમણ છે કે નહીં તે જાણી શકાશે. આ કિટ હાલ આઈસીએમઆર દ્વારા માન્ય તપાસ કેન્દ્રો પર જ મળશે અને નિમવામાં આવેલા સ્વાસ્થ્યકર્મી જ આ કિટની તપાસ કરશે.

કોરોનાની સારવાર માટે હાલ કોઈ રસી ઉપલબ્ધ નથી ત્યારે 100 વર્ષ પહેલા યુરોપમાં ટીબીની સારવાર માટે શોધાયેલી રસીથી કોરોના વાયરસની સારવાર શક્ય બની શકે છે. જો આ પ્રયોગ સફળ રહેશે તો વિશ્વ માટે આશીર્વાદ રૂપ હશે.