નવી દિલ્હીઃ દુનિયામાં ફરી એકવાર કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રૉનનો ખતરો તોળાઇ રહ્યો છે, આ બધાની વચ્ચે હવે ભારતમાં પણ આ ઘાતક વેરિએન્ટની એન્ટ્રી થઇ ગઇ છે. અત્યારે ભારતમાં કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન હાહાકાર મચાવી રહ્યો છે. રવિવારે એક દિવસમાં મહારાષ્ટ્રના 7 બાદ રાજસ્થાનમાં પણ 9 ઓમિક્રોન પોઝિટીવ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. સરકારે આને ધ્યાનમાં રાખીને તાબડતોડ પગલા ભરવાનુ શરૂ કરી દીધુ છે.


ઓમિક્રૉન કોરોનાનો સૌથી ખતરનાક વેરિએન્ટ માનવામાં આવી રહ્યો છે, અને ખાસ કરીને આફ્રિકન દેશોમાંથી આવતા યાત્રીઓમાં આ વેરિએન્ટના લક્ષણો જોવા મળી રહ્યાં છે. રવિવારે એક જ દિવસમાં દેશના બે મોટા રાજ્યો મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં 16 કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે. રવિવારે મહારાષ્ટ્રમાં 7 અને ત્યાર બાદ રાજસ્થાનમાં એક જ પરિવારના 9 સભ્યોનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટીવ આવતા હડકંપ મચ્યો છે. ભારતમાં ઓમિક્રોન કેસની સંખ્યા વધીને 21 પર પહોંચી છે.


દેશમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ સામે આવ્યા બાદ સરકાર હરકતમાં આવી છે. કેન્દ્ર સરકાર આ મામલા પર રાજ્યોના સતત સંપર્કમાં છે.  કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે પાંચ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશને કોરોનાના મામલામાં પત્ર લખ્યો હતો અને ચેતવણી આપી હતી. સાથે જ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને રોકવા માટે જરૂરી પગલા ભરવાના નિર્દેશ આપ્યા હતા. આ પહેલા બેંગ્લુરુમાં ઓમિક્રોનના 2 કેસ નોંધાયા હતા.  ગુજરાતમાં ઓમિક્રોનનો 1 કેસ નોંધાયો છે. દિલ્હીમાં આજે સવારે ઓમિક્રોન વેરિઅન્ટનો નવો કેસ નોંધાયો હતો. 


આજે ઓમિક્રોન વેરિઅન્ટના સાત નવા કેસની પુષ્ટિ કરવામાં આવી છે. ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત લોકોમાં, એક વ્યક્તિ પુણેનો છે, જ્યારે બાકીના છ કેસ પિંપરી-ચિંચવડમાંથી નોંધાયા છે. તમને જણાવી દઈએ કે આમાંથી ત્રણ લોકો નાઈજીરિયાથી ભારત પરત ફર્યા હતા, જ્યારે ત્રણ તેમના સૌથી નજીકના લોકો છે, જેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને નવા વેરિઅન્ટની પુષ્ટિ થઈ છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ માહિતી આપવામાં આવી છે.