જયપુરઃ દેશમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યા છે. સંકટના આ સમયમાં રાજસ્થાનથી સારા સમાચાર આવ્યા છે. જયપુર સ્થિત કંપની ક્લબ ફર્સ્ટે સ્વાસ્થ્ય કર્મીઓની મદદ માટે અનોખો રોબોટ તૈયાર કર્યો છે. જે ન માત્ર થર્મલ સ્ક્રીનિંગ કરી શકે છે પરંતુ કોણે માસ્ક પહેર્યુ છે અને કોણે નહીં તે પણ બતાવે છે.


કંપનીના એમડી ભુવનેશ મિશ્રાએ કહ્યું, આ રોબોટ થર્મલ સ્ક્રીનિંગ કરી શકે છે. ઉપરાંત કોણે માસ્ક પહેર્યુ નથી અને કોણે પહેર્યુ છે તે પણ જણાવે છે. અમારું 95% ઉત્પાદન ભારતમાં થયું છે. સ્પાઈન ટેક્નોલોજી પર બનેલો આ વિશ્વનો પ્રથમ રોબોટ છે. રોબોટ કોઈ લાઈન કે ચુંબકીય પાથને અનુસરતો નથી અને આપમેળે જ નેવિગેટ કરે છે.


કોરોના વાયરસ ફેલાતો અટકે તે માટે માસ્ક પહેરવું અને સામાજિક અંતર જાળવી રાખવાના નિયમનું પાલન કરવું ફરજિયાત છે. આ કારણે સરકાર તેના પાલન પર સતત ભાર આપી રહી છે. થર્મલ સ્ક્રીનિંગ દ્વારા શરીરનું તાપમાન માપવામાં આવે છે અને તેના લક્ષણોની ઓળખ કરવામાં આવે છે. રોબોટના કારણે આ કામ વધુ આસાન થઈ જશે.


સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે રાજસ્થાનમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 4727 પર પહોંચી છે. 125 લોકોના મોત થયા છે અને 2677 લોકો સાજા થઈ ગયા છે.