નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસને લઇને સંકટ વચ્ચે આજે દેશને સંબોધિત કરતા દેશવાસીઓને અનેક અપીલ કરી હતી. આ દરમિયાન તેમણે ઉચ્ચ વર્ગ અને વ્યવસાયીઓને અપીલ કરી છે કે જો આ દરમિયાન કોઇ કર્મચારી કામ પર ના આવે તો  તેના પગારમાં કાપ મુકે નહીં.



વડાપ્રધાને કહ્યું કે, સંકટના આ સમયમાં મારા દેશના વ્યાપારી જગત, ઉચ્ચ આવક ધરાવતો વર્ગને પણ આગ્રહ છે કે જો બની શકે તો તમે જે લોકોની સેવાઓ લો છો, તેમના આર્થિક હિતોનું ધ્યાન રાખો. તેમનો પગારમાં કાપ મુકશો નહીં.

વડાપ્રધાને કહ્યું કે, હું દેશવાસીઓને વિશ્વાસ અપાવું છું કે દેશમાં દૂધ, ખાવા-પીવાનો સામાન, દવાઓ, જીવન માટે જરૂરી એવી આવશ્યક ચીજવસ્તુઓની અછત ના થાય તે માટે તમામ પગલાઓ ભરવામાં આવી રહ્યા છે. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધમાં પણ આટલા દેશ પ્રભાવિત થયા નહોતો જેટલા કોરોના વાયરસના કારણે થયા છે.