Covid-19 Precaution Dose: આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શુક્રવારે કહ્યું કે કોવિડ -19 રસીની પ્રિકોશન ડોઝ મેળવવા માટે ફરીથી નોંધણી કરાવવાની જરૂર નથી. આ ડોઝ 10 જાન્યુઆરીથી અન્ય રોગોથી પીડિત 60 વર્ષથી વધુ ઉંમરના આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સ અને વૃદ્ધોને આપવામાં આવશે. જેમણે અગાઉ રસીના બંને ડોઝ મેળવ્યા છે તેઓ આ ડોઝ લઈ શકે છે.


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું, 'આ ડોઝ માટેનું શેડ્યૂલ 8 જાન્યુઆરીએ પ્રકાશિત કરવામાં આવશે. ઓનલાઈન એપોઈન્ટમેન્ટની સુવિધા પણ શરૂ થઈ ગઈ છે. વેક્સિન સેન્ટર સિલેક્ટર કર્યા બાદ અને એપોઈન્ટમેન્ટ લીધા પછી 10 જાન્યુઆરીથી ડોઝ લઈ શકો છો. કેન્દ્રએ પહેલેથી જ કહ્યું છે કે COVID-19 પ્રિકોશન ડોઝ અગાઉ લેવામાં આવેલી રસીનો હશે.


તાજેતરમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની મીડિયા બ્રીફિંગ દરમિયાન, નીતિ આયોગના ડૉ. વીકે પૉલે કહ્યું હતું કે, 'COVID-19 રસીની પ્રિકોશન ડોઝ એ જ રસી હશે જે અગાઉ આપવામાં આવી હતી. જેમણે કોવેક્સિન મેળવ્યું હતું તેઓને કોવેક્સિન આપવામાં આવશે, જેમણે કોવાશિલ્ડના પ્રથમ બે ડોઝ લગાવ્યા હતા તેમને જ કોવશિલ્ડ આપવામાં આવશે.


ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 1,41,986  નવા કેસ નોંધાયા છે અને 285 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 40,895 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 3,44,12,740 પર પહોંચી છે. દેશમાં ગઈકાલની તુલનાએ આજે 21 ટકા વધારે કેસ નોંધાયા છે. ગઈકાલે 1.30 લાખ કેસ નોંધાયા હતા. 



  • એક્ટિવ કેસઃ 472169

  • કુલ ડિસ્ચાર્જઃ 3,44,12,740

  • કુલ મૃત્યુઆંકઃ4,83,463

  • કુલ રસીકરણઃ 150,61,92,903


કયા રાજ્યમાં કેટલા ઓમિક્રોન કેસ


ભારતમાં કોરોનાની સાથે ઓમિક્રોનના કેસ પણ વધી રહ્યા છે. દેશમાં ઓમિક્રોનના કુલ કેસ 3071 પર પહોંચ્યા છે, જેમાંથી 1203 લોકો સાજા થઈ ગયા છે. રાજસ્થાનના જયપુરમાં ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિનું મોત થયું હતું અને તે ભારતમાં ઓમિક્રોનથી પ્રથમ મોત હતું.દેશના 27 રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઓમિક્રોન પહોંચી ગયો છે. સૌથી વધુ મહારાષ્ટ્ર અને દિલ્હી પ્રભાવિત છે. મહારાષ્ટ્રમાં 876, દિલ્હીમાં 513, કર્ણાટક 333, રાજસ્થાનમાં 291, કેરળમાં 284, ગુજરાતમાં 204, તેલંગાણામાં 123, તમિલનાડુમાં 121, હરિયાણામાં 114, ઓડિશામાં 60, ઉત્તર પ્રદેશમાં 21, આંધ્રપ્રદેશમાં 28, પશ્ચિમ બંગાળમાં 27, ગોવામાં 10, આસામમાં 9, મધ્ય પ્રદેશમાં 9, ઉત્તરાખંડમાં 8, મેઘાલયમાં 4, અંદામાન-નિકોબારમાં 3, ચંદીગઢમાં 3, જમ્મુ-કાશ્મીરમાં 3, પોંડિચેરીમાં 2, પંજાબમાં 2, છત્તીસગઢમાં 1, હિમાચલ પ્રદેશમાં 1, લદ્દાખમાં 1, મણિપુરમાં 1 કેસ નોંધાયો છે.