નવી દિલ્હી: દેશમાં કોવિડ-19ના કેસની સંખ્યા વધીને 46433 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં 1020 લોકો સારવાર બાદ કોરોના વાયરસથી સ્વસ્થ થયા છે. ભારતમાં હવે 12726 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. દેશમાં રિકવરી રેટ 27.41 ટકા છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી હતી.


સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે દેશમાં કુલ 32138 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં 3900 નવા કેસ નોંધાયા છે. દેશમા કુલ સંક્રમિતોની સંખ્યા હવે 46433 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં 195 મોત થયા છે અને દેશમાં અત્યાર સુધીમાં 1568 મોત થયા છે.

આ સાથે જ લવ અગ્રવાલે કહ્યું કે આજે જીઓએમની બેઠક થઈ જેમાં નોન કોવિડ હોસ્પિટલમાં પીપીઈ કિટના ઉપયોગ પર એક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. હાઈ રિસ્ક,મૉડરેટર એરિયા અને અલગ અલગ વિસ્તારના હિસાબની શું પ્રીકોશન લેવાનું છે તેને લઈને નવા નિર્દેશ જાહેર કરાયા છે. તેમણે કહ્યું કે કેટલાક રાજ્યોએ યોગ્ય સમય પર પોતાને ત્યાંના કેસની જાણકારી નથી આપી, હવે ત્યાંથી કેસ આવી રહ્યા છે. અમે કન્ટેનમેન્ટ જોનના આધાર પર કામ કરી રહ્યા છીએ.