નવી દિલ્હીઃ કોરોના સામેના જંગમાં હાલ તો રસી જ અમોઘ શસ્ત્ર છે. ત્યારે 21 જૂનથી ગુજરાત સહિત દેશભરમાં વેક્સિનેશન મહાઅભિયાન શરૂ કરાયું છે. વેક્સિનેશન મહાઅભિયાન અંતર્ગત મહત્તમ લોકોને રસીના કવચથી સલામત કરવાનો હેતુ છે. ભારતમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ શરૂ કરાયું હતું અને અત્યાર સુધીમાં 32 કરોડ 36 લાખથી વધારે લોકોને રસી આપવામાં આવી છે. આ આંકડો અમેરિકામાં અપાયેલી રસી કરતાં પણ વધારે છે.


ભારતમાં ક્યારથી થઈ રસીકરણની શરૂઆત


ગ્લોબલ વેક્સિન ટ્રેકરના 28 જુનના સવારે 8 વાગ્યા સુધીના આંકડા મુજબ યુકેમાં 8 ડિસેમ્બરે રસીકરણની શરૂઆત થઈ હતી અને અત્યાર સુધીમાં 7,67,74,990 લોકોનું રસીકરણ થયું છે. અમેરિકામાં 14 ડિસેમ્બરે રસીકરણની શરૂઆત થઈ હતી અને અત્યાર સુધીમાં 32,33,27,328 લોકોનું રસીકરણ થયું છે. જ્યારે ભારતમાં 16 જાન્યુઆરીથી રસીકરણ શરૂ થયું છે અને આજ દિન સુધીમાં 32,36,63,297 લોકોને રસી આપવામાં આવી છે.


આ ત્રણ દેશોમાં એક સાથે થઈ રસીકરણની શરૂઆત


ઈટાલી, જર્મની અને ફ્રાંસમાં 27 ડિસેમ્બરથી રસીકરણનો આરંભ થયો છે અને અત્યાર સુધીમાં અનુક્રમે 4.95,50,721 ડોઝ, 7,14,37,288 ડોઝ અને 5,24,57,288 ડોઝ આપવામાં આવ્યા છે.




દેશમાં શું છે કોરોનાનું ચિત્ર


સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 46,148 નવા કોરોનાના કેસ આવ્યા છે અને 979 લોકોના મોત થયા છે, જ્યારે 58578 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. દેશમાં 76 દિવસ બાદ કોરોનાથી મૃતકોની સંખ્યા એક હજારથી ઓછી નોંધાઈ છે.



  • કુલ કોરોના કેસ - ત્રણ કરોડ 2 લાખ 79 હજાર 331

  • કુલ ડિસ્ચાર્જ - બે કરોડ 93 લાખ 09 હજાર 607

  • કુલ એક્ટિવ કેસ - 5 લાખ 72 હજાર 994

  • કુલ મોત - 3 લાખ 96 હજાર 730


કોરોનાથી કુલ મોતમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે


દેશમાં કોરોનાથી કુલ મૃત્યુ દર 1.23 ટકા છે જ્યારે રિકવરી રેટ અંદાજે 96.80 ટકા છે. એક્ટિવ કેસ ઘટીને 3 ટકાથી ઓછો થયો છે. કોરોના એક્ટિવ કેસના મામલે ભારત વિશ્વમાં ત્રીજા નંબર પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા સ્થાને છે. જ્યારે વિશ્વમાં અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.