Corona Vaccine: ભારતમાં કોરોના વાયરસની ત્રીજી લહેરની અસરને ઘટાડવામાં કોરોના રસીઓ મહત્વની ભૂમિકા ભજવી છે. બે રસી ઉત્પાદકો સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) અને ભારત બાયોટેકએ હવે ભારતના ડ્રગ રેગ્યુલેટર - ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) પાસેથી તેમની રસીઓને રેગ્યુલર બજારમાં ઉપલબ્ધ કરાવવા મંજૂરી માંગી છે. એટલે કે કંપનીઓ હવે તેમની રસી સીધી બજારમાં લાવીને સામાન્ય લોકોના હાથમાં લાવવા માંગે છે. જો કે, ખુલ્લા બજારમાં આ રસીઓની કિંમત અંગે હજુ પણ શંકા છે. દરમિયાન સરકારી સૂત્રોએ રસીની કિંમતો વિશે ખુલાસો કર્યો છે.


રસીની કિંમત કેટલી હશે?


સત્તાવાર સત્રો અનુસાર, Covishield અને Covaxin લોન્ચ કરવાની મંજૂરી આપવામાં આવ્યા પછી તેમની કિંમત પ્રતિ ડોઝ 275 રૂપિયા નક્કી કરવામાં આવી શકે છે. જોકે રસીના ડોઝ પર 150 રૂપિયાનો વધારાનો સર્વિસ ચાર્જ પણ વસૂલવામાં આવશે. એટલે કે રસીના ડોઝની કિંમત ખુલ્લા બજારમાં 425 રૂપિયાની આસપાસ રહેવાની શક્યતા છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) ની કોરોના બાબતોની નિષ્ણાત સમિતિએ 19 જાન્યુઆરીએ અમુક શરતોને આધીન, પુખ્ત વસ્તી માટે ખુલ્લા બજારમાં  Covishield અને Covaxinની મંજૂરીની ભલામણ કરી હતી.






ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ  તીવ્ર ગતિએ વધી રહ્યા છે. જોકે છેલ્લા બે દિવસથી ત્રણ લાખથી ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 2,85,914  નવા કેસ નોંધાયા છે અને 665 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 2,99,073 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 22,23,018 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 16.16ટકા છે.  દેશમાં 25 જાન્યુઆરીએ 17,69,745 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.



  • કુલ એક્ટિવ કેસઃ 22,23,018

  • કુલ ડિસ્ચાર્જઃ  3,73,70,971

  • કુલ મૃત્યુઆંકઃ  4,91,127

  • કુલ રસીકરણઃ  163,58,44,536 (જેમાંથી ગઈકાલે 59,50,731 ડોઝ આપવામાં આવ્યા હતા.)