Covid-19 XE Variant: ભારતના નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઈઝેશન (NTAGI)ના વડા ડૉ. એન.કે. અરોરાએ કોરોના વાયરસના NXE પ્રકારને લઈને વિશ્વવ્યાપી હલચલ વચ્ચે રાહતની વાત કહી છે. તેમણે દેશવાસીઓને પરેશાન ન થવાની અપીલ કરી છે. ડૉ. એન.કે. અરોરાના જણાવ્યા અનુસાર, કોવિડ-19નું ઓમિક્રોન વેરિઅન્ટ આ વાયરસના અન્ય ઘણા નવા પ્રકારોને પ્રોત્સાહન આપી રહ્યું છે. આમાં X શ્રેણીના પ્રકારોનો સમાવેશ થાય છે.
ડૉ. એનકે અરોરાએ કહ્યું, 'કોરોના વાયરસનું ઓમિક્રોન વેરિઅન્ટ તેના ઘણા નવા સ્વરૂપોને જન્મ આપી રહ્યું છે. X શ્રેણીના પ્રકારોની જેમ, જેમાંથી એક XE સ્ટ્રેન છે. કોરોના વાયરસના નવા પ્રકારો આવતા રહેશે. ગભરાવાની જરૂર નથી. અત્યારે જે આંકડાઓ મળી રહ્યા છે તે મુજબ ભારતમાં તે બહુ ઝડપથી ફેલાઈ રહ્યો હોય તેવું લાગતું નથી.
ગુજરાતમાં થઈ છે XE વેરિઅન્ટની એન્ટ્રી
WHO એ XE સ્ટ્રેનને Omicron વેરિયન્ટના BA.1 અને BA.2 સ્ટ્રેનમાંથી બન્યો હોવાનું કહ્યું છે. WHO અનુસાર, કોરોના વાયરસનો નવો XE સ્ટ્રેન Omicron કરતાં 10 ટકા વધુ ચેપી છે. ભારતમાં XE સ્ટ્રેનનો પ્રથમ કેસ ગુજરાતમાં જોવા મળ્યો છે. જો કે આ પહેલા પણ મુંબઈમાં એક કેસ જોવા મળ્યો છે, પરંતુ XE સ્ટ્રેનથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ નથી. અત્યાર સુધીમાં કોરોના વાયરસના ઘણા પ્રકારો સામે આવ્યા છે. તેમાંથી, ડેલ્ટા વેરિઅન્ટે સૌથી વધુ પાયમાલી સર્જી હતી. ભારતમાં કોરોનાની બીજી લહેર માટે ડેલ્ટા વેરિઅન્ટ જવાબદાર હતો.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશમાં બે વર્ષ બાદ કોરોનાની અસર ઓછી થઈ રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 861 સંક્રમિતોના મોત થયા છે અને માત્ર 6 લોકોના મોત થયા છે. જ્યારે 929 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 11,058 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,21,691 પર પહોંચ્યો છે. દેશમાં 4,25,03,383 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 185,74,18,827 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 2,44,870 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણ શરૂ થયું હતું.