નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં કોરનાનો કાળો કહેર વધી રહ્યો છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 340ને પાર કરી ગઈ છે અને છ લોકોના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યા મુજબ, ICMR દ્વારા જાહેર કરવામાં આવેલા દિશાનિર્દેશ મુજબ  NABL માન્યતા પ્રાપ્ત તમામ ખાનગી લેબોરેટ્રીઝમાં કોરોના વાયરસનો ટેસ્ટ થઈ શકશે.


નેશનલ ટાસ્ક ફોર્સની ભલામણ મુજબ, ટેસ્ટનો મહત્તમ ચાર્જ 4500 રૂપિયાથી વધારે ન હોવો જોઈએ. શંકાસ્પદ દર્દીઓના સ્ક્રીનિંગ ટેસ્ટ માટે 1500 રૂપિયા અને કનફર્મેશન ટેસ્ટ માટે વધારાના 3000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.



દિશા નિર્દેશોમાં જણાવવામાં આવ્યા મુજબ, તપાસની ફી સબ્સિડી રેટ પર લઈ જઈ શકાય છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એમ પણ જણાવ્યું છે કે, જો કોઈ લેબ આ નિયમોનું ઉલ્લંઘન કરતા પકડાશે તો તેના પર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.



સેમ્પલ લેતી વખતે ખૂબ સાવધાની રાખવાની સલાહ પણ આપવામાં આવી છે. આઈસીએમઆરે કહ્યું, દર્દીના સેમ્પલ લેતી વખતે બાયોસેફ્ટી અને બાયોસિક્યોરિટીની પૂરી ચોકસાઈ રાખવી. આ માટે COVID-19ના દર્દીઓ માટે અગથી સેમ્પલ કલેક્શન સેન્ટર બનાવવાની વાત કરવામાં આવી છે. દર્દીનો ચેપ અન્ય વ્યક્તિને ન લાગે તે માટે ખાનગી લેબોરેટ્રીઝ ઘરેથી પણ સેમ્પલ એકત્ર કરી શકશે.

આ ઉપરાંત ટેસ્ટ કિટ યુએસ એફડીએ માન્યતા ધરાવતી કે યુરોપીય સીઈ પ્રમાણિત હોવી જોઈએ અને તેની સૂચના ભારતમાં ડ્રગ કન્ટ્રોલર જનરલને હોવી જોઈએ.