કોવિશિલ્ડ રસીની કિંમત અડધાથી વધુ ઘટાડી દેવામાં આવી છે. સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાએ આજે કોરોનાની આ રસીના નવા ભાવની જાહેરાત કરી હતી. અદાર પૂનાવાલાએ લખ્યું હતું કે, સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયાએ ખાનગી હોસ્પિટલો માટે કોવિશિલ્ડ વેક્સીનની કિંમત 600 રૂપિયાથી ઘટાડીને 225 રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે. અદાર પૂનાવાલાએ કહ્યું કે, અમને જાહેર કરતાં આનંદ થાય છે કે કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કર્યા પછી, SIIએ ખાનગી હોસ્પિટલો માટે કોવિશિલ્ડ રસીની કિંમત રૂ. 600 થી ઘટાડીને રૂ. 225 પ્રતિ ડોઝ કરવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે 18+ વય જૂથના લોકોને બૂસ્ટર આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયની પ્રશંસા કરી છે.






સામાન્ય રીતે જાહેર જનતાના હિતમાં, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા અને ભારત બાયોટેકે 18 વર્ષથી ઉપરના તમામ માટે બૂસ્ટર ડોઝ માટે GST સાથે તેમની રસીની કિંમત ઘટાડીને રૂ. 220 કરવાનો નિર્ણય લીધો છે. હવે, Covisheild, Covaxin અને Covovax GST સાથે 220 રુપિયામાં ખાનગી રસીકરણ કેન્દ્રો અને હોસ્પિટલોમાંથી મેળવી શકાશે. જણાવી દઈએ કે કોરોના મહામારીનો સામનો કરવા માટે કેન્દ્ર સરકારે થોડા દિવસ પહેલાં જ 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને બૂસ્ટર ડોઝ લેવાની છૂટ આપવાનો નિર્ણય લીધો છે. હવે પુખ્ત વયના લોકો 10 એપ્રિલથી રસીકરણ કેન્દ્રમાં જઈને બૂસ્ટર ડોઝ મેળવી શકશે. જે લોકોએ 9 મહિના સુધીમાં રસીનો બીજો ડોઝ લીધો છે તે લોકો ત્રીજો ડોઝ લઈ શકશે.


ત્રીજો ડોઝ જરુરીઃ
અત્યાર સુધી ડેલ્ટા, ડેલ્ટા પ્લસ, ઓમિક્રોન, ડેલ્ટાક્રોન, XE, કેપ્પ્કા વેરિયન્ટ્સ આવી ગયા છે. સરકાર દ્વારા સમયાંતરે લોકોને રસીના બે ડોઝ આપવામાં આવે છે. ICMRના ડીજી ડૉ. બલરામ ભાર્ગવના જણાવ્યા અનુસાર, વાયરસનું એક પ્રકાર બીજા પ્રકાર સામે રક્ષણ પૂરું પાડતું નથી, તેથી કોરોનાની ત્રીજી લહેરમાં કોરોના સંક્રમણના કેસ જોવા મળ્યા હતા. આનો અર્થ એ છે કે લોકોની રોગપ્રતિકારક શક્તિ સમય સાથે ઘટવા લાગે છે, તેથી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ત્રીજો ડોઝ જરૂરી બની જાય છે. રસીકરણથી ગંભીર બીમારી, હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને મૃત્યુની સંખ્યામાં ઘટાડો થયો છે.