Covishield Vaccine: કૉવિશીલ્ડ વેક્સિનના સલામતી પાસાઓનો વિવાદ હવે સુપ્રીમ કૉર્ટમાં પહોંચ્યો છે. બુધવારે (મે 01), જોખમ પરિબળોનો અભ્યાસ કરવા માટે નિષ્ણાત તબીબી પેનલની રચનાની માંગ કરતી અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરાંત જાહેર આરોગ્ય સુરક્ષાના હિતમાં સૂચનાઓ જાહેર કરવાની પણ માંગણી કરવામાં આવી હતી.


ધ હિન્દુના અહેવાલ મુજબ, વકીલ વિશાલ તિવારીએ દાખલ કરેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, "ભારતમાં કૉવિશીલ્ડના 175 કરોડથી વધુ ડૉઝ આપવામાં આવ્યા છે. કૉવિડ-19 પછી હાર્ટ એટેક અને અચાનક બેહોશ થવાના કેસોમાં મૃત્યુમાં વધારો થયો છે અને ઘણા કેસ છે. કૉવિશીલ્ડના ડેવલપર દ્વારા યૂકે કૉર્ટમાં હાર્ટ એટેકની જાણ કરવામાં આવી છે, જેનાથી અમને કૉવિશીલ્ડ રસીના જોખમો અને ખતરનાક પરિણામો વિશે વિચારવાની ફરજ પાડવામાં આવે છે, જે મોટી સંખ્યામાં નાગરિકોને આપવામાં આવી છે."


પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે વેક્સીન ડેવલપર એસ્ટ્રાઝેનેકાએ કહ્યું છે કે કૉવિડ-19 સામેની તેની AZD1222 રસી પ્લેટલેટની સંખ્યા ઓછી અને દુર્લભ કિસ્સાઓમાં લોહીના ગંઠાવાનું કારણ બની શકે છે. આ રસી ભારતમાં કૉવિશીલ્ડ તરીકે લાયસન્સ હેઠળ બનાવવામાં આવી હતી.


'કૉવિશીલ્ડના દુષ્પ્રભાવોની થાય તપાસ'  
કૉર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજના નેતૃત્વમાં એક સમિતિની રચના કરવામાં આવે અને કૉવિશીલ્ડની આડઅસરોની તપાસ કરવામાં આવે. તેમજ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે એઈમ્સ, ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, દિલ્હીના ડિરેક્ટરો અને નિષ્ણાતોને સમિતિમાં સભ્ય તરીકે સામેલ કરવામાં આવે. એડવોકેટ તિવારીએ કેન્દ્રને એવા નાગરિકો અથવા પરિવારો માટે 'વેક્સિન ડેમેજ પેમેન્ટ સિસ્ટમ' સેટ કરવા માટે નિર્દેશોની માંગ કરી હતી કે જેમણે રસી લીધા પછી કમજોર સ્વાસ્થ્ય આંચકો અથવા મૃત્યુ પણ સહન કર્યા છે.