કુન્નૂર: કેરળમાં ગઈરાત્રે કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઈંડિયા (માર્ક્સવાદી) અને આરએસએસ કાર્યકર્તાઓની હત્યા કરી નાખવામાં આવી હતી. ઘટના કેરળના કુન્નુરની છે. સીપીએમ નેતા ધનરાજને પય્યાનુરમાં મારી નાખવામાં આવ્યો હતો. તેના થોડા સમય પછી આરએસએસ નેતાને પણ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.
સીપીએમના નેતા ઘનરાજ ઘરમાં હતા ત્યારે તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. તેના એક કલાક પછી ઓટો રિક્ષા ચાલક અને આરએસએસ કાર્યકર્તા સીકે રામચંદ્રન પર હુમલો કરવામાં આવ્યો હતો. સીપીઆઈએમ અને આરએસએસ-બીજેપી એક બીજા ઉપર આ હિંસાનો આરોપ લગાવી રહ્યા છે. બન્ને સંગઠનોએ પય્યાનુર અને આસપાસના વિસ્તારોમાં બંધની જાહેરાત કરી છે.
ગઈકાલે રાત્રે જિલ્લામાં તોફાનના અહેવાલો મળ્યા હતા. તે વખતે સીપીએમ અને બીજેપી સમર્થકોના ઘરો પર હુમલો કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, મેમાં વિધાનસભા ચૂંટણી વખતે કુન્નુર અને કેરળના બીજા ભાગોમાં રાજનૈતિક હિંસા ચરમસીમા પર હતી. રાજ્યમાં મતદાન સાથે જોડાયેલી હિંસાના એક હજારથી વધુ કેસો સામે આવ્યા હતા. તેમાં સૌથી વધુ કુન્નુરના હતા.