જમ્મુ: ત્રણ દિવસથી રોકાયેલી અમરનાથ યાત્રા સોમવારે બપોરે શરૂ કરવામાં આવી હતી. જેમાં યાત્રીઓ જમ્મુથી કશ્મીર જવા રવાના થયા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે  જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસથી અમરનાથ યાત્રીઓને 40 બસોમાં બપોરે 4 વાગ્યા આસપાસ કશ્મીર જવા રવાના કરવામાં આવ્યા છે. યાત્રીઓના જથ્થા સાથે સુરક્ષાબળો પણ છે જે તેમને સુરક્ષિત રીતે કશ્મીર પહોંચાડશે. કશ્મીરમાં છેલ્લા પાંચ દિવસથી હિંસાના માહોલના કારણે અમરનાથ યાત્રાને સસ્પેંડ કરવામાં આવી હતી. ઓથોરિટી દ્વારા યાત્રા પૂરી કરીને 200 બસોમાં પાછા ફરેલા શ્રદ્ધાળુઓ માટે જમ્મુથી રાત્રે 8 વાગ્યાની એક સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા સોમવારે કરી હતી.