ગાઝિયાબાદઃ દિલ્હી નજીક આવેલા ગાઝિયાબાદમાં મોટી દૂર્ઘટના ઘટી છે. મુરાદનનગર વિસ્તારમાં વરસાદની વચ્ચે અહીં એક સ્મશાન ઘાટનુ લેન્ટર ધરાશાયી થઇ ગયુ છે. લેન્ટર ધરાશાયી થતા કાટમાળમાં કેટલાય લોકો દબાયા હોવાની આશંકા છે. હાલ 10 લોકોના મૃતદેહોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. હજુ પણ કાટમાળમાં કેટલાય લોકો દબાયા હોવાની આશંકા છે. લોકોને કાટમાળમાંથી બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસ અધિકારીએ જણાવ્યુ કે હજુ સુધી 18 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.


અંતિમ સંસ્કારમાં સામેલ થવા આવ્યા હતા લોકો
જાણકારી અનુસાર મુરાદનગરમાં રહેનારા ફળના વેપારી રાજારામનુ આજે સવારે મૃત્યુ થઇ ગયુ હતુ, રાજારામના પરિવારજનો અને તેમના પરિચિતો મુરાદનગરના સ્મશાન ઘાટમાં તેમના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે આવ્યા હતા. અંતિમ સંસ્કાર બાદ વરસાદ પડવા લાગ્યો તો લોકો વરસાદથી બચવા લેન્ટરની નીચે ઉભા રહી ગયા હતા, તે દરમિયાન લેન્ટર ધરાશાયી થઇ ગયો હતો.



સીએમ યોગીએ પણ લીધું સંજ્ઞાન
વળી, આ દૂર્ઘટના પર સીએમ યોગી આદિત્યનાથે સંજ્ઞાન લીધુ છે. સીએમ કાર્યાલય તરફથી કહેવામાં આવ્યુ ગાઝિયાબાદના મુરાદનગરમાં છત પડવાની ઘટનાનુ સંજ્ઞાન લેતા જિલ્લાધિકારી તથા વરિષ્ઠ પોલીસ અધિક્ષકને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને રાહત તથા બચાવ કાર્ય શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. સીએમે કહ્યું ઘટનાથી પ્રભાવિત દરેક વ્યક્તિઓને દરેક સંભવ મદદ પહોંચાડવામાં આવશે, તથા દૂર્ઘટનામાં ઘાયલ લોકોની યોગ્ય સારવાર કરવામાં આવશે.