Supreme Court: સુપ્રીમ કોર્ટે શુક્રવારે કેન્દ્રને ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) ની કલમ 85 અને 86 માં જરૂરી ફેરફારો કરવા પર વિચારણા કરવા જણાવ્યું હતું જેથી ખોટી ફરિયાદો દાખલ કરવા માટે તેનો દુરુપયોગ ન થાય. ભારતીય ન્યાય સંહિતાની કલમ 85માં કહેવામાં આવ્યું છે કે 'જો કોઈ મહિલાનો પતિ અથવા તેના પતિનો સંબંધી તે મહિલા સાથે ક્રૂરતા કરે તો તેને 3 વર્ષની જેલની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડી શકે છે.


વાસ્તવમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 86માં 'ક્રૂરતા'ની વ્યાખ્યામાં સ્ત્રીને માનસિક અને શારીરિક બંને રીતે નુકસાન પહોંચાડવાનો સમાવેશ થાય છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેણે 14 વર્ષ પહેલા કેન્દ્ર સરકારને દહેજ વિરોધી કાયદા પર ફરીથી વિચારણા કરવા કહ્યું હતું કારણ કે મોટી સંખ્યામાં નોંધાયેલી ફરિયાદોમાં આ ઘટનાને અતિશયોક્તિપૂર્ણ રીતે બતાવવામાં આવી છે.


ભારતીય ન્યાય સંહિતા 1 જૂલાઈથી અમલમાં આવશે


આ કેસમાં સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ જે.બી.પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે સુનાવણી કરી હતી. બેન્ચે કહ્યું કે તે ભારતીય ન્યાય સંહિતા, 2023ની ક્રમશઃ કલમ 85 અને 86 પર ધ્યાન આપશે જેથી એ જાણી શકાય કે શું સંસદે સુપ્રીમ કોર્ટના સૂચનને ગંભીરતાથી લીધું છે કે નહીં. કારણ કે ભારતીય ન્યાય સંહિતા 1 જૂલાઈથી લાગુ થવાની છે.


પરિવારના સભ્યોએ દહેજની માંગ પર પહોંચાડ્યો માનસિક આઘાત


વાસ્તવમાં એક મહિલા દ્ધારા પતિ વિરુદ્ધ દાખલ કરેલી દહેજ-ઉત્પીડન મામલાને રદ કરતા સમયે સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી. જ્યારે પીડિત મહિલા દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર અનુસાર, પુરુષ અને તેના પરિવારના સભ્યોએ કથિત રીતે દહેજની માંગ કરી અને તેને શારિરીક અને માનસિક ત્રાસ આપ્યો હતો.


મહિલાનો આરોપ- લગ્ન સમયે પરિવારે મોટો ખર્ચ કર્યો હતો


એફઆઈઆરમાં જણાવાયું છે કે મહિલાના પરિવારે તેના લગ્ન સમયે મોટી રકમ ખર્ચી હતી અને તેનું 'સ્ત્રીધન' પણ પતિ અને તેના પરિવારને સોંપ્યું હતું. જોકે, લગ્નના થોડા સમય બાદ પતિ અને તેના પરિવારજનોએ તેને ખોટા બહાને હેરાન કરવાનું શરૂ કર્યું હતું.


કોર્ટે તમામ વિભાગોને રજિસ્ટ્રીની નકલ મોકલવા સૂચના આપી હતી


બેન્ચે કહ્યું કે એફઆઈઆર અને ચાર્જશીટનું વાંચન કર્યા બાદ જાણવા મળે છે કે મહિલા દ્વારા લગાવવામાં આવેલા આરોપો ખૂબ જ અસ્પષ્ટ, સામાન્ય અને વ્યાપક છે, જેમાં ગુનાહિત વર્તનનું કોઈ ઉદાહરણ આપવામાં આવ્યું નથી. જો કે, સુપ્રીમ કોર્ટે રજિસ્ટ્રીને આ દરેક ચુકાદાની નકલ કેન્દ્રીય કાયદા અને ગૃહ સચિવો, કેન્દ્ર સરકારને મોકલવાનો નિર્દેશ આપ્યો હતો, જેઓ તેને કાયદા અને ન્યાય પ્રધાન તેમજ ગૃહ પ્રધાન સમક્ષ મૂકી શકે છે.