(જીતેન્દ્ર દિક્ષિત)
Cruise Drugs Party: NCB ની કાર્યવાહી બાદ ક્રૂઝ રેવ પાર્ટીમાં એકબાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે આ કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે. ડ્રગ્સ પાર્ટી કેસમાં એનસીબી દ્વારા દાખલ કરવામાં આવેલા પંચનામામાં ખુલાસો થયો છે કે શાહરૂખ ખાનના પુત્રએ પોતે ડ્રગ્સ લઇ જવાની કબૂલાત કરી છે.
આર્યન-અરબાઝે કબૂલાત કરી
એનસીબીના પંચનામા અનુસાર, આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટે દરોડાના દિવસે પકડાયા બાદ ડ્રગ્સની કબૂલાત કરી હતી. અરબાઝ મર્ચન્ટે તપાસ અધિકારીની સામે પગરખાં અને ઝિપ-લોક પાઉચમાં ચરસ લઈ જવાની કબૂલાત કરી હતી. આર્યન અને અરબાઝે એક સાથે ચરસ લેવાની કબૂલાત કરી હતી. બંનેએ સ્વીકાર્યું કે તેઓ ક્રૂઝ પાર્ટી દરમિયાન આ ચરસનો ઉપયોગ કરવા જઈ રહ્યા હતા.
અરબાઝે સ્વીકાર્યું હતું કે, તે આર્યન ખાન સાથે ચરસનું સેવન કરે છે અને તેઓ ક્રૂઝ પર ધમાલ મચાવવા માટે જઈ રહ્યા હતા. એનસીબીના અધિકારીઓએ આર્યન ખાનને સવાલ કર્યો ત્યારે તેણે પણ પોતે ચરસનું સેવન કરે છે અને તે ચરસ ક્રૂઝની યાત્રા દરમિયાન સ્મોકિંગ માટે લઈ જઈ રહ્યા હતા તેમ જણાવ્યું હતું. લક્ઝરી ક્રૂઝ કૉરડેલિયા પર દરોડાની આ ડિટેઈલ એનસીબીના પંચનામા પર આધારીત છે. પંચનામા પ્રમાણે ઝિપ લોક પાઉચમાંથી કાળા રંગનો ચીકણો પદાર્થ નીકળ્યો હતો અને ડીડી કિટ દ્વારા તેની તપાસ કરવામાં આવી તો તે ચરસ હોવાની પૃષ્ટિ થઈ હતી.
ઈમ્તિયાઝ ખત્રીને સમન્સ
ક્રૂઝ શિપ રેઇડ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ફિલ્મ પ્રોડ્યૂસર ઈમ્તિયાઝ ખત્રીને આજે કોર્ટ સમક્ષ હાજર થવા સમન્સ પાઠવ્યું છે.