નવી દિલ્લી: જમ્મુ-કશ્મીરના હિજબુલ આતંકવાદી બુરહાન વાનીનું એન્કાઉંટરમાં મોત થયુ તે બાદ ઘાટીમાં હિંસા થઈ છે. વિરોધ અને હિંસા બાદ ક્ષત્રમાં ભારે તણાવ છે. ગઈ કાલે શ્રીનગર સહિત ઘણા જિલ્લાઓમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે થયેલી ઝપાઝપીમાં 11 લોકોના મોત થયા છે. ગૃહમંત્રી રાજનાથ સિંહ અને મુખ્યમંત્રી સહિત સેનાએ લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે.


શ્રીનગર ઉપરાંત પુલવામા, અનંતનાગ, કુલગામ અને શોપિયાંમાં હાલકત ગંભીર છે. શ્રીનગરના આઠ થાણા ક્ષેત્રોમાં કર્ફ્યૂ લાગેલો છે.

અલગતાવાદી સંગઠનોએ કશ્મીર ઘાટીમાં આજે અને આવતી કાલે બંધનું એલાન આપ્યુ છે. જે બાદ કશ્મીર અને જમ્મુમાં ઈંટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. હિંસા બાદ સીબીએસસી અને યુજીસી નેટની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે.

કશ્મીરમાં હિંસાના પગલે અમરનાથ યાત્રાને પણ આજે સ્થગિત કરવામાં આવી છે. લગભગ 20 હજાર યાત્રીઓ પહલગામ અને બાલટાલમાં ફસાયેલા છે. આ એ તમામ લોકો છે જે અમરનાથના દર્શન કરીને પાછા ફરી રહ્યા હતા.

ગૃહમંત્રી રાજનાથ સિંહે શાંતિની અપીલ કરતા મૃતકો માટે દુખ વ્યક્ત કર્યુ છે. તેમણે કહ્યું કે સરકાર કશ્મીરી જનતાનો સહકાર ઈચ્છે છે.

ગઈ કાલે થયેલી હિંસામાં કુલગામમાં એક ટોળાએ પોલીસ ચોકીને આગ ચાંપી હતી. અનંતનાગમાં પણ એક ચોકીને બાળી નાખવામાં આવી હતી. પુલવામાંમાં પીસીઆર વેન પર હુમલો થયો હતો. હિંસામાં અત્યાર સુધી 11 લોકોના મોત થયા છે. 96 સુરક્ષાકર્મીઓ સહિત 126 લોકો ઘાયલ થયા છે.